અમદાવાદઃ નવરાત્રિ પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. રાજ્યભરમાં નવરાત્રિનું પર્વ ભારે આનંદોલ્લાસથી ઊજવાશે. ખેલૈયાઓએ આ વખતે ખૂબ જ તૈયારીઓ કરી છે. રાજ્ય સરકારે પણ અમદાવાદમાં વાઈબ્રન્ટ નવરાત્રિ સહિત રાજ્યમાં સાત જિલ્લાનાં 11 સ્થળ પર શેરીગરબાની ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ખેલૈયાઓને ખુશ કર્યા છે નવરાત્રિના નવ દિવસ લોકો ગરબા માણી ખાઈપીને નિરાંતે ઘરે જાય એવું રાજ્ય સરકારે આયોજન કર્યું છે. રાજ્યના શહેરોમાં નવરાત્રી દરમિયાન ખાણી-પીણીની રેસ્ટોરાં-હોટલો હવે મધરાત સુધી ખૂલ્લી રાખી શકાશે.
રાજ્ય સરકારે આ વર્ષે ગરબા 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવાની છૂટ આપી છે, શહેરમાં નવરાત્રિ દરમિયાન રેસ્ટોરાં અને હોટલો પણ મોડી રાત સુધી ખૂલ્લી રાખી શકાશે. મોડી રાતે પાર્ટી પ્લોટ્સ અને કલબોમાં ગરબે રમવા ગયેલા શહેરીજનો ભૂખ્યા થયા હોય તો તેમને નાસ્તો કે ભોજન મળી શકે તે માટે રેસ્ટોંરન્ટો મધરાત સુધી ખૂલ્લી રાખી શકાશે.
ગુજરાતમાં કોરોનાને કારણે છેલ્લાં બે વર્ષથી ગરબાનું આયોજન થઈ શક્યું નહોતું, પરંતુ રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવાતા આ વખતે ગરબા રસિકો ગરબાની મજા માણી શકશે. રાજ્ય સરકાર દ્વારા અંબાજી, બહુચરાજી, પાવાગઢ સહિત 9 શક્તિ કેન્દ્ર તેમજ અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ વાઈબ્રન્ટ નવરાત્રિનું આયોજન કરવામાં આવશે, ત્રણ વર્ષથી નવરાત્રિમાં મા અંબાની આરાધના માત્ર ઘરમાં જ થતી હતી. ગત વર્ષે લોકોએ સોસાયટીઓમાં ગરબા માણ્યા હતા, પણ પાર્ટી પ્લોટોમાં ગરબાને મંજૂરી આપવામાં આવી નહોતી, પરંતુ આ વખતે સરકારે મંજૂરી આપતાં ગરબાની મજા માણી શકાશે.
નવરાત્રિને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે. ત્યારે અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મહિલાઓની સુરક્ષાને લઇને સી ટીમ તૈયાર કરવામાં આવી છે. નવરાત્રિમાં મોડી સાત સુધી ગરબાનું આયોજન થતું હોય છે, જેમાં ઘણીવાર મહિલાઓ સાથે છેડતી જેવા બનાવો બને છે. ત્યારે મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ નવરાત્રિમાં મોડી રાત્રે મહિલા પોલીસને સિવિલ ડ્રેસમાં અને ટ્રેડિશનલ કપડામાં તહેનાત રાખવામાં આવશે. જો કોઈ અસામાજિક તત્ત્વ મહિલા સાથે ગેરવર્તણૂક કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.(FILE PHOTO)