Site icon Revoi.in

સુરેન્દ્રનગર જિલ્લામાં ઘેર-ઘેર તાવ,શરદી, ઉધરસના દર્દીઓ, હોસ્પિટલોમાં દર્દીઓની લાગતી લાઈનો

Social Share

સુરેન્દ્રનગરઃ  જિલ્લામાં વરસાદી ઋતુમાં  સીઝનલ બીમારીના કેસોમાં વધારો તઈ રહ્યો છે. તાવ અને વાયરલ બિમારીના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ખાસ કરીને બાળકો આ બિમારીનો વધુ શિકાર બની રહ્યાં છે. જેમાં સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં પ્રતિદિન  100 કેસ અને ખાનગી હોસ્પિટલોમાં અંદાજે 200 જેટલા કેસ આવતા હોવાથી ચિંતાની લાગણી ફેલાઇ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  સુરેન્દ્રનગરમાં વરસાદી અને વાદળીયા વાતાવરણ વચ્ચે સીઝનલ બીમારીમાં વધારો થયો છે. શહેરમાં જ ઠેરઠેર ગંદકી ફેલાવા સાથે મચ્છર જેવી રોગજન્ય જીવાતોનો ઉપદ્રવ વધતા બિમારી માથું ઉંચકી રહી છે. બાર વર્ષ સુધીના અનેક બાળકો તાવ અને કફ-ઉધરસ જેવી વાયરલ બિમારીનો શિકાર બની રહ્યા છે. ઘેર-ઘેર તાવ, શરદી, ઉધરસના દર્દીઓ જોવા મળી રહ્યા છે. શહેરના મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલમાં તાવ અને વાયરલ બિમારીનો શિકાર બનેલા બાળકોના દરરોજ 100 જેટલા કેસ આવી રહ્યા છે. જ્યારે ખાનગી ચિલ્ડ્રન હોસ્પિટલોમાં દરરોજ અંદાજે 200 કેસ આવતા હોવાનું જાણવા મળે છે. ઋતુ પરિવર્તન થતા આ રોગચાળો વકર્યો હોવાનું માનવામાં આવે છે. નગરપાલિકા દ્વારા શહેરમાં યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન હાથ ધરીને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તેમજ વરસાદી પાણીના ખાબોચીયા ભરાયા હોય ત્યાં પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે. એક તરફ કોરોનાના કેસોમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. ત્યારે જ બાળકોમાં તાવ અને વાયરલ, ઉધરસ અને કફ જેવી બિમારીના કેસો વધતા ચિંતાની લાગણી ફેલાઇ છે.

શહેરના તબીબોના કહેવા મુજબ  હાલના વરસાદી-ભેજવાળા વાતાવરણમાં ઠંડકને કારણે તાવ અને કફ-ઉધરસ જેવી વાયરલ બિમારીનો બાળકો શિકાર બની રહ્યા છે. આવા લક્ષણોવાળા બાળકોને નાસ (નેબ્યુલાઈઝર) લેવડાવવો જોઈએ તથા બજારના જંક ફુડથી દુર રાખવા જોઈએ. એટલુ જ નહીં તાવ-કફ ઉધરસના લક્ષણોવાળા બાળકોને શાળાએ મોકલવાનો આગ્રહ વાલીઓએ રાખવો જોઈએ નહીં.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલમાં હાલ 40 જેટલા દર્દીઓ દાખલ થઈ સારવાર લઈ રહ્યા છે. દર્દીઓને જ્યાં દાખલ કરવામાં આવ્યા છે, ત્યાં પ્રસુતિ વિભાગની પાછળના ભાગમાં અસહ્ય ગંદકી ખદબદતી હોવાની ફરિયાદ ઉઠી છે. હોસ્પિટલમાં રોગ મુક્ત થવા આવતા દર્દીઓ ગંદકીથી વધુ માંદા પડે તેવો ઘાટ સર્જાયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદી વાતાવરણ વચ્ચે રોગચાળાએ પણ માથુ ઉચક્યું છે. શહેરની સરકારી હોસ્પિટલની ઓપીડીમાં રોજ 530થી 540 દર્દી નોંધાઇ રહ્યાં છે. તેમાં શરદી-તાવના 200 દર્દીઓ હોય છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલેમાં આવતા દર્દીઓનો ધસારો મોટા પ્રમાણમાં હોવાનું તબીબો જણાવી રહ્યાં છે. તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાન સાથે દવા છંટકાવની કામગીરી શરૂ કરવામાં આવે તેવી પ્રચંડ માગણી ઉઠી છે. જો તંત્ર તાકિદે જાગશે નહીં તો શહેર અને જિલ્લામાં રોગચાળો ફાટી નીકળે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.