નવી દિલ્હીઃ દૂરદર્શન વધુ એક માઈલસ્ટોન હાંસલ કરવા જઈ રહ્યું છે. 9 વર્ષની અપાર સફળતા પછી, ડીડી કિસાન 26મી મે 2024ના રોજ ભારતના ખેડૂતો માટે એક નવા દેખાવ અને નવી શૈલી સાથે આવી રહ્યું છે. જ્યાં ચેનલનું પ્રેઝન્ટેશન એક નવા સ્વરૂપમાં જોવા મળશે.
‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ના આ યુગમાં દૂરદર્શન કિસાન દેશની પહેલી એવી સરકારી ટીવી ચેનલ બનવા જઈ રહી છે, જ્યાં બધાની નજર એઆઈ એન્કર પર રહેશે. દૂરદર્શન કિસાન બે એઆઈ એન્કર (એઆઈ કૃષ અને એઆઈ ભૂમિ) લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ ન્યૂઝ એન્કર એક કોમ્પ્યુટર છે, જે બિલકુલ માનવ જેવા છે અને માણસની જેમ કામ કરી શકે છે. તેઓ 24 કલાક અને 365 દિવસ રોકાયા વગર કે થાક્યા વગર સમાચાર વાંચી શકે છે.
ખેડૂત દર્શકો આ એન્કરને દેશના તમામ રાજ્યોમાં કાશ્મીરથી તામિલનાડુ અને ગુજરાતથી અરુણાચલ સુધી જોઈ શકશે. આ એઆઈ એન્કર દેશમાં અને વૈશ્વિક સ્તરે થઈ રહેલા કૃષિ સંશોધનો, કૃષિ વલણો, મંડીઓ, હવામાનમાં ફેરફાર અથવા સરકારી યોજનાઓ સહિતની અન્ય માહિતી વિશે દરેક જરૂરી માહિતી પ્રદાન કરશે. આ એન્કર્સની એક ખાસ વાત એ છે કે તેઓ દેશ-વિદેશની પચાસ ભાષાઓમાં બોલી શકે છે.