Site icon Revoi.in

અમદાવાદમાં લાલ દરવાજાથી બોપલ, વસ્ત્રાલ અને રાણીપના રૂટ પર ડબલ ડેકર બસ શરૂ કરાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં એએમટીએસ દ્વારા ડબલ ડેકર એસી બસ શરૂ કરવામાં આવી છે. હાલ જે રૂટ પર વધુ પ્રવાસી ટ્રાફિક રહેતો હોય એવા રૂટ્સ પર ડબલ ડેકર બસ સેવા શરૂ કરવામાં આવી રહી છે. હાલ શહેરના વાસણાથી ચાંદખેડા, લાલ દરવાજાથી શીલજ, નરોડાથી લાંભા અને સારંગપુરથી સિંગરવા ગામ સુધી એમ ચાર રૂટ ઉપર ડબલ ડેકર એસી બસ દોડી રહી છે. હવે લાલ દરવાજાથી બોપલ, લાલ દરવાજાથી વસ્ત્રાલ, અને રાણીપથી ઈસનપુર સુધી ડબલ ડેકર એસી બસ દોડાવવામાં આવશે. એએમટીએસ  દ્વારા ત્રણ નવા રૂટ ઉપર સોમવારથી ડબલ ડેકર બસ દોડશે. ત્રણ મહિના પહેલા અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા શહેરમાં 7 ડબલ ડેકર બસ દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જે તમામ સાત રૂટ ઉપર હવે બસો દોડશે.

મ્યુનિ.ના એએમટીએસ  કમિટીના ચેરમેન ધરમસિંહ દેસાઈએ જણાવ્યું હતું કે, શહેરમાં ડબલ ડેકર એસટી બસો ચલાવવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં પહેલા ચાર રૂટ ઉપર ડબલ ડેકર એસી બસ દોડી રહી છે. હવે વધુ ત્રણ નવા રૂટનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં લાલ દરવાજાથી બોપલ વકીલ સાહેબ બ્રિજ, ઇસનપુરથી રાણીપ અને લાલ દરવાજાથી વસ્ત્રાલ રૂટ ઉપર બસો જશે. ત્રણ નવા રૂટનો સમાવેશ કરવામાં આવતા હવે શહેરીજનોને ડબલ ડેકર એસી બસનો વધુ લાભ મળશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં ત્રણ નવા રૂટમાં લાલ દરવાજાથી બોપલ વકીલ સાહેબ બ્રિજ સુધી ડબલ ડેકર એસી બસ દોડશે. જેનાથી એસજી હાઇવે ઉપર જનારા લોકોને પણ ફાયદો થશે. જ્યારે પૂર્વ વિસ્તારમાં જવા માટે ઇસનપુર અને વસ્ત્રાલના રૂટની શરૂઆત કરવામાં આવી છે. આ અગાઉ આશ્રમ રોડ પરના વાસણાથી ચાંદખેડા રૂટની ડબલ ડેકર એસી બસની શરૂઆત કરવામાં આવી છે. બાદમાં લાલ દરવાજાથી શીલજ, નરોડાથી લાંભા અને સારંગપુરથી સિંગરવા ગામ સુધીની ડબલ ડેકર એસી બસો શરૂ કરાઇ છે.  ડબલ ડેકર બસમાં નીચે 29 અને ઉપર 36 એમ કુલ 60થી વધુ પેસેન્જર બેસવાની ક્ષમતા ધરાવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા  સાત ડબલ ડેકર એસી બસની ખરીદી કરવામાં આવી છે. પહેલી બસ વાસણા-વાડજ વચ્ચે દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ડબલ ડેકર એસી બસનું ભાડું હાલમાં જે પ્રવર્તમાન દર છે તે મુજબનું જ રહેશે. ડબલ ડેકર ઈલેક્ટ્રીક એસી બસમાં નીચેના ભાગે બે અને ઉપરના ભાગે બે એમ કુલ ચાર જેટલા સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. કોઈપણ ઈમરજન્સી અથવા તો એનાઉન્સમેન્ટ માટે ડ્રાઇવર પાસે વોકીટોકી સેટ રાખવામાં આવ્યો છે. જે મારફતે ડ્રાઇવર બસમાં એનાઉન્સમેન્ટ કરી શકશે.