ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં 10મી જાન્યુઆરીથી યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2024 માટે ધુમ તૈયારીઓ ચાલી રહી છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા માટે દેશ-વિદેશના અનેક મહાનુભાવો આવશે. તેથી તમામ મહેમાનો માટે હોટલો બુક કરી દેવામાં આવી છે. મહેમાનો માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા માટે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે. શહેરમા મહાત્મા મંદિર રોડ, સરકારી ઈમારતો વગેરેને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે. મહેમાનો માટે ડબલ ડેકર EV લકઝરી બસ સેવા પણ ઉપલબ્ધ કરાશે. જે મહેમાનોને હોટલથી મહાત્મા મંદિર સુધી લાવશે.
ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટને સફળ બનાવવા માટે કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ કામગીરીઓ હાથ ધરવામાં આવી છે. રોડ-રસ્તા જેવી માળખાકીય સુવિધા ઉપરાંત જાહેર પરિવહનની સેવાને પણ વિશ્વ સ્તરીય બનાવવા માટે સરકારે આયોજન કર્યું છે. જેના ભાગરૂપે વાયબ્રન્ટ સમિટ દરમિયાન પ્રથમ AC ઈલેક્ટ્રિક ડબલડેકર બસ શરૂ કરાશે. આ ડબલ ડેકર બસની કેપેસિટી 63 બેઠકની છે. એક ચાર્જિંગ પર 250 કિમી સુધી ચાલી શકે છે. અંદાજે ત્રણ કરોડની કિંમતે ખરીદાયેલી એસી ઈલેક્ટ્રિક ડબલ ડેકર બસને વાઈબ્રન્ટ સમિટ દરમિયાન કાર્યરત કરી દેવાશે. વાઈબ્રન્ટ સમિટ બાદ સામાન્ય નાગરિકોની અવર-જવર માટે આ બસનો ઉપયોગ કરવામાં આવશે. સરકાર દ્વારા મ્યુનિ. કોર્પોરેશનને નવી બસ સોંપવા અંગે ટૂંક સમયમાં જાહેરાત થાય તેવી શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને ગ્રીન સિટીના ઉદ્દેશ સાથે ઈલેક્ટ્રિક બસ સેવા શરૂ કરવા દરખાસ્ત તૈયાર કરી હતી. જીએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ બાદ રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી EV ડબલ ડેકર બસ ખરીદવામાં આવી છે. જે વાયબ્રન્ટ સમિટ પહેલા જ બસનું લોકાર્પણ કરીને પ્રથમ વાયબ્રન્ટમાં આવેલા મહેમાનો માટે બસનો ઉપયોગ કરાશે. ત્યારબાદ જાહેર પરિવહનની સેવા માટે બસ ઉપયોગમાં લેવાશે. વિદેશની જેમ ગાંધીનગરમાં પણ ડબલ ડેકર બસો દોડતી જોવા મળશે.