ડબલ એન્જિનની સરકાર એટલે ડબલ લૂંટ, કેજરિવાલના ભાજપા ઉપર પ્રહાર
નવી દિલ્હીઃ દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં આમ આદમી પાર્ટી દ્વારા ‘જનતા કી અદાલત’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જનતાને સંબોધતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીની જનતાનો પ્રેમ, સમર્થન અને વિશ્વાસ મારી ઈમાનદારીનો પુરાવો બનશે. દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ડબલ એન્જિન સરકાર એટલે ડબલ લૂંટ. યુપીમાં છેલ્લા સાત વર્ષથી ડબલ એન્જિનની સરકાર છે, પરંતુ તે નિષ્ફળ ગઈ છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું, ‘તેમની (ભાજપ) 22 રાજ્યોમાં સરકાર છે. તમે તેમને એક રાજ્યનું નામ જણાવો જ્યાં તેમણે વીજળી મુક્ત કરી હોય… તેઓ 30 વર્ષથી ગુજરાતમાં સત્તા પર છે. તેઓએ એક પણ શાળાનું સમારકામ કરાવ્યું નથી… પીએમ મોદી આવતા વર્ષે 17 સપ્ટેમ્બરે નિવૃત્ત થશે. હું તમને પડકાર આપું છું કે આ એક વર્ષમાં 22 રાજ્યોમાં કંઈક કરો જે દિલ્હીમાં થયું છે… તેમણે 10 વર્ષમાં કંઈ કર્યું નથી.
કેજરીવાલે કહ્યું કે, ‘જ્યારે તમે નિવૃત્ત થશો, ત્યારે બધા વિચારશે કે તમે 10 વર્ષ સુધી કંઈ કર્યું નથી, પરંતુ 11માં વર્ષમાં કંઈક કર્યું. આજે હું પીએમ મોદીને કહું છું કે દિલ્હીની ચૂંટણી ફેબ્રુઆરીમાં છે. ફેબ્રુઆરી પહેલા આ 22 રાજ્યોમાં વીજળી ફ્રી કરો, હું દિલ્હી ચૂંટણીમાં મોદીજી માટે પ્રચાર કરીશ.
જનતા કી અદાલત કાર્યક્રમ દરમિયાન, દિલ્હીના સીએમ અને AAP નેતા આતિશીએ કહ્યું, “દિલ્હી એકમાત્ર એવી જગ્યા છે જ્યાં કાળઝાળ ગરમીમાં પણ 24 કલાક વીજળી મળે છે અને હજુ પણ બિલ શૂન્ય આવે છે, આ અરવિંદ કેજરીવાલની દિલ્હી છે.” ભાજપ ગરીબ વિરોધી પાર્ટી છે અને ગરીબોને હેરાન કરે છે. છેલ્લા કેટલાક સમયથી ભાજપની કેન્દ્ર સરકાર સમગ્ર દિલ્હીમાં એક પછી એક ઝૂંપડપટ્ટીઓ તોડી રહી છે, ભાજપે છ મહિના પહેલા વૃદ્ધાવસ્થા પેન્શન બંધ કરી દીધું હતું.