Site icon Revoi.in

અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં દરેક રમત-ગમત માટે હવે ડબલ ફી ચૂકવવી પડશે

Social Share

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનને કરોડો રૂપિયાની આવક હોવા છતાં સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં રમત-ગમત માટે જતાં શહેરીજનો પાસેથી ડબલ ફી વસુલવામાં આવશે.જોકે ભાજપના સત્તાધિશો આને નજીવો વધારો કહી રહ્યા છે. એટલું જ નહીં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જે કોઈ શહેરીજન સભ્ય બને તેને પોતાના વિસ્તારના કોર્પોરેટરના સહી-સિક્કા કરાવવા ફરજિયાત રહેશે. એટલે રમત-ગમતના શોખિનોએ વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સના સભ્ય બનતા પહેલા સહી-સિક્કા કરાવવા માટે પોતાના વિસ્તારોના કોર્પોરેટરોને શાધવા નિકળવું પડશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના મેમ્કો વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વીર સાવરકર સ્પોર્ટસ કોમ્પલેક્સમાં વિવિધ એક્ટિવિટી અને રમતો રમવા અનેક લોકો આવે છે. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં 21 જેટલી વિવિધ એક્ટિવિટી-રમતોમાં ભાવ વધારાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટિમાં મંજૂર કરી દેવામાં આવી છે. જેથી હવે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આવનારા સભ્યોએ જે ભાવવધારો કરીને ડબલ ફી નક્કી કરી તે ચુકવવી પડશે. વીર સાવરકર કોમ્પ્લેક્સના સભ્યોએ ખાનગી જીમ અને સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં જેટલી ફી લેવામાં આવે છે, તેટલી ફી હવે સરકારી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તેટલી જ ફી ભરવી પડશે. આ ઉપરાંત જે પણ સભ્ય બને તેણે પોતાના વોર્ડના કોર્પોરેટરના સહી સિક્કા કરાવવા હવે ફરજિયાત રહેશે.

સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, નજીવો ભાવ વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષે રીનોવેશન પાછળ રૂ. 8 કરોડનો ખર્ચ થયો હતો. આ ભાવવધારો કરવાથી વાર્ષિક રૂ. 8 લાખ આવક વધશે. દર વર્ષે રૂ. 27 લાખ જેવી આવક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની થાય છે. દરેક રમતો માટે જે ચાર્જ લેવામાં આવે છે તેની ફીમાં બે ગણો વધારો કરવામાં આવ્યો છે. વીર સાવરકર સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં જીમ્નેશિયમમાં સૌથી વધુ ફી વધારો કરવામાં આવ્યો છે. ખાનગી જીમમાં જેટલી ફી હોય છે તેટલી નક્કી કરવામાં આવી છે. જીમમાં એક મહિનાની ફી 300 રૂપિયા હતી તેની જગ્યાએ 600 રૂપિયા કરી દેવામાં આવી છે, ત્રણ મહિનાની ફી 450 રૂપિયા હતી તેની જગ્યાએ સીધી 1800 રૂપિયા, 6-મહિનાની ફી 900ની જગ્યાએ સીધી 3600, તેમજ વાર્ષિક ફી 1500ની જગ્યાએ સીધી 6000 ફી કરી દીધી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં  નવા ભાવ વધારા મુજબ સભ્ય ફોર્મ અત્યારે 25 રૂપિયા છે જેમાં વધારો કરી અને 30 રૂપિયા નક્કી કરવા આવી છે. પાર્ટીપ્લોટ નું ભાડું 20,000 રૂપિયા અને 10000 રૂપિયા ડીપોઝીટ હતી તેની જગ્યાએ તેમાં વધારો કરી અને 35000 રૂપિયા ભાડું અને રૂ. 10,000 ડિપોઝિટ કરી દેવામાં આવી છે. સભ્ય ફીમાં વિદ્યાર્થીઓને 50 ટકા કન્સેશન આપવામાં આવે છે જેમાં ઘટાડો કરી હવે 30 ટકા જ આપવામાં આવશે. સ્પોર્ટ કોમ્પ્લેક્ષમાં ગેસ્ટ પાસનો 25 રૂપિયા ભાવ હતો તેનો વધારીને હવે એક્ટિવિટી માટે ડબલ કરી અને 50 રૂપિયા કરવામાં આવ્યો છે. જ્યારે લાઇબ્રેરી, સ્વિમિંગ પૂલ અને જિમ માટે ગેસ્ટ પાસ હવેથી બનાવી આપવામાં આવશે નહિ.

મ્યુનિ,કોર્પોરેશનના રિક્રિએશનલ કમિટીના ચેરમેન રાજુભાઈએ જણાવ્યું હતું કે, શહેરના  મેમ્કો વિસ્તારમાં આવેલા વીર સાવરકર સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં જે વિવિધ એક્ટિવિટી અને રમતો માટે ચાર્જ લેવામાં આવે છે જેમાં સામાન્ય વધારો કરવામાં આવ્યો છે. આશરે 37000 ચો.મી. જેટલી વિશાળ જગ્યામાં આધુનિક કક્ષાનું વીર સાવરકર રમત ગમત સંકુલ વર્ષ 2010માં શરૂ થયું હતું. હાલમાં 2000 જેટલા સભ્યો છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઓપરેશન્સ તથા મેઇન્ટનન્સ તથા સિવિલ વર્કના રીપેરીંગ તથા અન્ય ખર્ચાઓમાં વધારો થયો છે.