સુરતઃ રાજ્યમાં કોરોનાકાળમાં કાપડ ઉદ્યોગે ઘણુંબધું સહન કર્યું છે. હવે જ્યારે વેપાર-ઉદ્યોગોમાં થોડીઘણી તેજી આવી રહી છે, ત્યારે સરકારે કાપડ પર લેવાતા જીએસટીના દરમાં વધારો કર્યો છે. ફેબ્રિક્સ અને ગારમેન્ટ પર GSTમાં વધારો કરાયો છે. 5 થી વધીને GST 12 ટકા થતા કાપડ 25 ટકા મોંઘું થશે. નાના ટ્રેડર્સ પણ ધંધો- રોજગારી ગુમાવશે અને સાડીઓ મોંઘી થવાને કારણે ગરીબ વર્ગની ખરીદી પણ અટકશે. વણાટ ઉદ્યોગને બચાવવા જીએસટીના દર યથાવત્ રાખવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાણાં મંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સરકારે રાહત આપવાની વાત તો દુર રહી પણ ફેબ્રિક્સ-ગારમેન્ટ પર 5 ને બદલે હવે 12% જીએસટી લેવાનો નિર્ણય કર્યો છે. જેને કારણે કાપડ 25 ટકા મોંઘુ થશે. 1 હજારના સાડી-ડ્રેસ પર સીધો 70 રૂપિયાનો ભાવ વધારો થશે. ટેક્સટાઈલની વેલ્યુ ચેઈનના GST ટેક્સ સ્લેબમાં ફેરફાર થતા આ ભાવવધારો જોવા મળશે. તેમજ જો રિફંડ નહિ મળે તો ટેક્સટાઇલમાં અપગ્રેડેશન અટકશે. ટેક્સ 2 હજાર કરોડથી વધીને 5 હજાર કરોડ થશે.
ચેમ્બર ઓફ કોમર્સના સૂત્રોએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના નિર્ણયને કારણે બેરોજગારીનો ખૂબ જ ગંભીર અને જટીલ પ્રશ્ન ઉપસ્થિત થશે. સાથે જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ બગડવાની શક્યતા રહે છે. વણાટ ઉદ્યોગમાં છ મહિનાની પેમેન્ટ સાયકલ કાર્યરત છે. તેની સામે ઉદ્યોગકારોને દર મહિનાની 20 તારીખે જીએસટી ભરવો પડશે. નવું રોકાણ તો ધોવાઇ જ જશે. પણ તેની સાથે સાથે 50 ટકાથી પણ વધારે વણાટ ઉદ્યોગકારોનો વેપાર-ધંધો સંપૂર્ણપણે ઠપ્પ થઇ જશે. જેનો સીધો લાભ ચાઇના, વિયેતનામ અને બાંગ્લાદેશને થશે. મોડર્ન મશીનરીમાં આવેલું નવું રોકાણ ધોવાઇ જવાને કારણે બેંક એનપીએમાં વધારો થશે. તમામ પાસાંઓને ધ્યાનમાં લઇ સુરતના વણાટ ઉદ્યોગને બચાવવાના હેતુ કાપડ અને ગારમેન્ટ ઉપર જીએસટી દરમાં કરવામાં આવેલા વધારા ને તાત્કાલિક ધોરણે પાછો ખેંચવા માટે તથા ટેક્સટાઇલ ક્ષેત્રે જૂનું જીએસટી ટેકસનું માળખું યથાવત રાખવા મુખ્યમંત્રી અને નાણાં મંત્રીને વિનંતી કરવામાં આવી છે.