સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે રેલવે લાઇનની ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થતાં બંને ટ્રેક પર ટ્રેનો દોડવા લાગી
રાજકોટઃ સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે ડબલ ટ્રેક રેલવે લાઈનનું કામ પૂર્ણ થતાં હવે રાજકોટ-અમદાવાદ સુધી ડબલ ટ્રેકનો લાભ મળવા લાગતા હાલ આ રૂટ્સના બન્ને ટ્રેક પર ટ્રેન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે. આ બન્ને ટ્રેક પર ઈલેક્ટ્રિક ફિકેશનનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે, જે પૂણ થતાં ફાસ્ટ ટ્રેનો શરૂ કરાશે એટલે ઝડપી ટ્રેન સેવાનો લાભ મળી રહેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ નજીક આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું કામ પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે. તેવા સમયે રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે ચાલી રહેલી ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થતા આગામી દિવસોમાં રાજકોટ ડિવિઝનને નવી ટ્રેનો મળવાની સંભાવના છે. સાથે સૌરાષ્ટ્રવાસી મુસાફરોને દેશના અન્ય રાજ્યોને જોડતી રેલ સુવિધામાં વધારો થવાની શકયતા છે. આગામી જુન સુધીમાં સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ રેલ, હવાઈ સેવામાં કાઠુ કાઢશે. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રાજકોટ- સુરેન્દ્રનગર રેલ્વે લાઈનમાં છેલ્લા છ વર્ષથી ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થતા આ ડબલ ટ્રેકમાં ટ્રેનો દોડવા લાગી છે. 117 કિ.મી. રાજકોટ-સુરેન્દ્રનગર ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થતા હવે રાજકોટ-અમદાવાદ ડબલ ટ્રેક સાથે જોડાતા આગામી દિવસોમાં અમદાવાદથી ઉપડતી અન્ય રાજ્યોને જોડતી ટ્રેનો રાજકોટ સુધી લંબાઈ શકે છે. આ ઉપરાંત રાજકોટને નવી ટ્રેનો મળવાની પણ શકયતા છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું. કે, રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે રેલ્વે ટ્રેકની ઈલેકટ્રીક લાઈનની કામગીરી પણ વેગવંતી બનતા આ કામ જૂન સુધીમાં પૂર્ણ થવાની શકયતા છે. આગામી જુન માસથી રાજકોટને વધુ નવી ટ્રેનો મળવાની શક્યતા છે. ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થતા રાજકોટ- અમદાવાદ વચ્ચે ટ્રેનો ઝડપથી પસાર થતા મુસાફરોનો સમય પણ બચશે. છાશવારે ક્રોસીંગની સમસ્યાનો અંત આવ્યો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે સીંગલ ટ્રેકમાં ક્રોસીંગના લીધે ટ્રેનો થંભી જતી હતી. પરિણામે નિર્ધારીત સમય કરતા પણ ટ્રેનો મોડી પડતી હતી. હવે ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થતા રેલ્વે ક્રોસીંગ સમસ્યાનો અંત આવતા રાજકોટ-અમદાવાદ વચ્ચે 25-30 મીનીટ ટ્રેનો વહેલી પહોંચશે. ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થતાં આગામી સમયમાં રાજકોટ રેલવે સ્ટેશનમાં ટ્રેનોનું નવું સમયપત્રક બહાર પડશે. સાથે અમદાવાદથી અમુક ટ્રેનો રાજકોટ લંબાઈ શકે છે. ઉપરાંત નવી ટ્રેનો મળે તેવી પણ સંભાવના છે.