હીરા ઉદ્યોગમાં મંદીની મોકાણ, ભાવનગરમાં 40 ટકા કારખાનાં બંધ પડતા હીરાઘસુ બન્યા બેરોજગાર
ભાવનગરઃ ગુજરાતમાં હીરા ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપતો મહત્વનો ઉદ્યોગ છે. છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગ મંદીના વમળોમાં સર્જાયા છે. રશિયા અને યુક્રેનના યુદ્ધ બાદ મંદીની મોકાણ સર્જાય હતી. ત્યારબાદ ઈઝરાઈલ અને હમાસ વચ્ચેની સમસ્યા અને અન્ય વૈશ્વિક કારણોને લીધે હીરા ઉદ્યોગ વ્યાપક મંદીનો સામનો કરી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં 3 હજારથી વધુ કારખાનાઓમાં રોજગારી મેળવતા બે લાખથી વધુ રત્નકલાકારો માટે બેરોજગારીનું સંકટ ઊભુ થયું છે. વ્યાપક મંદીને કારણે હીરાના કારખાનાઓ બંધ થઈ રહ્યા છે. તેમજ અનેક કારખાનાઓ બંધ થવાના આરે ઊભા છે. માત્ર હીરા ઘસવાનો વ્યવસાય કરતા કારીગરોને બીજો કોઈ ધંધો પણ આવડતો ના હોય પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવવું એ સૌથી મોટો પ્રશ્ન ઊભો થયો છે. હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ અને કારીગરોને માટે અન્ય રોજગારીની તકો પણ નથી.
ભાવનગર શહેર અને જિલ્લો ઔદ્યોગિકરીતે પછાત ગણાય છે. કોઈમોટા ઉદ્યોગો નથી. પણ હીરા ઉદ્યોગથી લોકો રોજગારી મેળવી રહ્યા છે. પણ હીરા ઉદ્યોગોમાં મંદીને કારણે અનેક લોકો રોજગારી ગુમાવી રહ્યા છે. ગુજરાતમાં હીરા ઉદ્યોગ સાથે 20 લાખ કરતા વધુ કારીગરો અને વેપારીઓ સંકળાયેલા છે. અને એ હીરા બજાર પર હાલ મંદીના વાદળો છવાયા છે. જેના કારણે વેપારીઓ સાથે કારીગરો પણ મુશ્કેલીમાં મુકાયા છે. પહેલા યુક્રેન રશિયા અને બાદ ઇઝરાયલ-હમાસ વચ્ચેના યુદ્ધને કારણે હીરા માટેનો વિદેશથી આવતો કાચો માલ બંધ થયો છે અને તૈયાર માલનો ઉપાડ પણ ઓછો થઈ રહ્યો છે. હીરાની કાચી રફ ઓછી આવતી હોય મોંઘા ભાવે રફ ખરીદવી પડે છે. જેના કારણે કારખાનેદારોના ખર્ચમાં પણ વધારો થાય છે. મંદીના કારણે છેલ્લા કેટલાક સમયથી રત્નકલાકારોને છૂટા કરવામાં આવી રહ્યા છે. અને બંધ થયેલા હીરા ઉત્પાદનના નાના એકમો તો મંદી હટે નહિ ત્યાં સુધી બંધ જ રહે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
ડાયમંડ એસોસિએશનના સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગરમાં બે લાખથી વધુ કારીગરો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. શહેર અને જિલ્લામાં 3 હજાર જેટલા કારખાના અને 3 હજાર જેટલી હીરાની ઓફિસો છે. હીરાના કારખાનાઓમાં બે લાખથી વધુ કારીગરો કામ કરે છે. ભાવનગર, મહુવા, તળાજા, ગારિયાધાર સહિતના તાલુકા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. જેમાં 15 ટકા જેટલા કારખાનાઓ બંધ થતાં તેની સાથે સંકળાયેલા 40 ટકા લોકોને મંદીની અસર થઈ છે. હીરા ઉદ્યોગમાં મંદીના કારણે સરવાળે તો રત્નકલાકારોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. મંદીના કારણે કારખાનાં બંધ થતા રત્નકલાકારોને બેરોજગાર થવાનો વારો આવે છે. રત્નકલાકારો સરકાર પાસે રત્ન કલાકાર માટેની કોઈ યોજના શરૂ કરવાની પણ માંગ કરી રહ્યા છે. (File photo)