અંબાજીઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ અંબાજી-આબુરોડ પર બન્યો હતો. ખાનગી બસ પલટી ખાઈને નદીમાં ખાબકી હતી. જોકે આ અકસ્માતના બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. પણ 12 જેટલા પ્રરવાસીઓને ઈજાઓ થઈ હતી.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, અંબાજી – આબુરોડ હાઇવે ઉપર સુરપગલા નજીક આવેલા વળાંકમાં સવારે એક ખાનગી બસના ચાલકે કાબૂ ગુમાવતા 56 મુસાફરો ભરેલી બસ નદીમાં ખાબકી હતી. આ ઘટનાને પગલે આબુરોડ પોલીસ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી.12 મુસાફરોને વધુ ઇજાઓ થઇ હતી. જ્યારે અન્યને સામાન્ય ઇજાઓ થઇ હતી.હિંમતનગરના દેરોલના મુસાફરો પરત આવી રહ્યા હતા તે દરમિયાન અકસ્માત થયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હિંમતનગર તાલુકાના દેરોલ ગામના 55 લોકો ખાનગી લકઝરી બસમાં રણુજા દર્શન કરવા ગયા હતા. રણુજા દર્શન કરી પરત ફરતાં સુંધા માતા મંદિરે દર્શન કર્યા હતા અને ત્યાંથી અંબાજી તરફ આવી રહ્યા હતા તે દરમિયાન આબુરોડ અંબાજી વચ્ચે સુરપગલા નજીક વળાક અને ઢોળાવ વાળા રસ્તાને લઇ લક્ઝરી બસના ચાલકે અચાનક કાબુ ગુમાવતા લક્ઝરી બસ નીચે નદીમાં ખાબકી હતી. માર્ગ પહાડી અને ઢોળાવવાળો હોવાના લીધે સુરપગલા નજીક આવેલા વળાંકમાં બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા 56 મુસાફરો ભરેલી બસ નદીમાં ખાબકી હતી. ઘટનાને પગલે આબુરોડની રિક્કો પોલીસ, આબુરોડ મામલતદાર, 108 ની ટીમ સહિત આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.