અમદાવાદઃ ડૉ બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં BBA, BCA, BBA – AT અને MSW સહિતના કોર્ષ ભણાવવાની નવા શૈક્ષણિક વર્ષથી મંજૂરી ન મળતા જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. તેવા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. હવે BBA, BCA, MSW સહિતના કોર્ષ ભણાવવામાં આવશે નહિ. નિયમ મુજબ દર 5 વર્ષે યુનિવર્સિટીએ મંજૂરી મેળવવાની હોય છે પરંતુ, અપૂરતી વ્યવસ્થાને કારણે મંજૂરી મળી નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ ડૉ બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી દ્વારા દર 5 વર્ષે ચાલતા કોર્ષ માટે UGCમાંથી મંજૂરી મેળવવાની હોય છે. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા 16 કોર્ષ માટે 31 માર્ચે અરજી કરવામાં આવી હતી. 16 કોર્ષ પૈકી 4 કોર્ષ માટે યુજીસી ડિસ્ટન્સ એજ્યુકેશન બ્યુરો દ્વારા મંજૂરી આપવામાં આવી નથી જેથી નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓ BBA, BCA, BBA એર ટ્રાફિક અને MSW માં પ્રવેશ નહિ મેળવી શકે. યુજીસીની મંજુરી ન મળતા આ કોર્ષ ભણાવવામાં બંધ કરવામાં આવશે. આ વર્ષે એડમિશન પ્રક્રિયા શરૂ થતાં BBA, BCA, MSW સહિતના અભ્યાસક્રમોમાં 1045 વિદ્યાર્થીઓ ઓનલાઇન અરજી કરીને પ્રવેશ મેળવ્યો છે. ચાર કોર્ષ બંધ કરવાનો નિર્ણય થતાં વિદ્યાર્થીઓને પણ ઝટકો લાગ્યો છે. વિદ્યાર્થીઓએ હવે અન્ય યુનિવર્સિટીમાં એડમિશન લેવું પડશે અન્યથા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડશે.
આ અંગે BAOUના રજિસ્ટ્રારના કહેવા મુજબ નિયમ પ્રમાણે મંજુરીની પ્રક્રિયા અભ્યાસક્રમ ચલાવવા માટે કરી હતી. પ્રવેશ સમયે વેબસાઈટ પર સમગ્ર માહિતીઓ પણ શેર કરવામાં આવી હતી. 31 ઓગસ્ટના રોજ પ્રવેશ નિશ્ચિત કરીશું, એ અંગે વિદ્યાર્થીઓને જાણ કરી હતી. આ સિવાય MBA અને MCA જેવા બે નવા કોર્ષની મંજૂરી મળી છે જેમાં 20,000 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે.