ડૉ અમૃતભાઇ કડીવાળા સેવા પ્રકલ્પમાં પ્રમાણ પત્ર અર્પણ કાર્યક્રમ યોજાયો
અમદાવાદઃ નિર્ણયનગર કર્ણાવતીમાં આવેલ “સેવા ભારતી” સંચાલિત ‘અમૃતભાઇ કડીવાળા સેવા પ્રકલ્પ’ દ્વારા ચાલતા પ્રશિક્ષણ વર્ગોના પ્રથમ સત્રના 40 સફળ થયેલ શિક્ષાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતા. પ્રકલ્પની જાણકારી આપતા પ્રકલ્પ પ્રમુખ વાસુભાઇ પટેલે કહ્યું આ સ્વાવલંબન કેન્દ્રમાં શરુઆતમાં બ્યુટીપાર્લર, મહેંદી, કમ્પ્યુટર અને ઇંગ્લીશ સ્પીકિંગના અભ્યાસક્રમો ચાલુ કરવામાં આવ્યાં. આગામી સત્રોમાં Tally, ફોટોગ્રાફી અને ગ્રાફિક ડિઝાઇનિંગના અભ્યાસક્રમ પણ જોડવામાં આવશે.
મુખ્ય વક્તા ડૉ. સુનિલભાઇ બોરીસા (સહકાર્યવાહ, રા.સ્વ.સંઘ, ગુજરાત પ્રાંત) કહ્યું કે, અર્થોપાર્જન માત્ર પુરુષોનું નહી પણ માતૃશક્તિનું પણ કામ છે. આપણા પ્રાચીન સમયમાં માતાઓ પરિવારની સાથે ખેતી જેવા કાર્યો કરતી જ હતી. આજે આપણે અભિગમ બદલવાની આવશ્યક્તા છે. અર્થોપાર્જન માત્ર આપણા કે પરિવાર માટે નહીં પરંતુ રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે કરવાનો છે. તેમણે વધુમાં કહ્યું કે, ‘સ્વાવલંબન’ ભારત માટે નવો વિષય નથી. સદીઓ પહેલા ભારત વૈશ્વિક અર્થવ્યવસ્થામાં શિખર સ્થાને હતો અને જો આજે ભારતની 50% ની જનસંખ્યા (મહિલાઓ) અર્થોપાર્જનની પ્રક્રિયામાં સહભાગી થાયે તો અર્થતંત્રની બાબતે આપણો દેશ પ્રથમ ક્રમાંક્તિ થશે.
આ કાર્યક્રમના અધ્યક્ષ જાણીતા સમાજસેવી શ્રી રમેશભાઇ પટેલે વર્તમાન સમયમાં સ્વાવલંબનના લાભો જણાવી કહ્યું કે, વિદેશોમાં આજે આપણી સંસ્કૃતિની તાલાવેલી જાગી રહી છે. હવે ચીની રમકડા નહી પણ માટીના રમકડાઓનું મહત્વ વધે જેથી બાળકોને માટીની સોડમ વિશે ખબર પડે અને ફરીથી આપણે યોગ્ય વિકલ્પ આપી શકીએ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સેવાભારતી – ગુજરાતના સંગઠન મંત્રી ઘનશ્યામભાઇ પટેલે સંસ્થાનો પરિચય આપતાં કહ્યું કે, ગુજરાતમાં તેનો પ્રારંભ પૂર પીડિત સહાયતા સમિતિના નામથી 1979માં મચ્છુ પૂર હોનારત સમયે થયો, જે આગળ જતા શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્વાવલંબન, સામાજિક, આપત્તિ વ્યવસ્થાપન, મહિલા સશક્તિકરણ, કિશોરીવિકાસ જેવા વિષયોથી કાર્યરત છે.
આ પ્રસંગે સેવાભારતીના પ્રાંત સંગઠન મંત્રી કિશોરભાઇ મુંગલપરાએ શ્રદ્ધેય ડૉ અમૃતભાઇ કડીવાળાનું સ્મરણ કરી કહુયં કે, તેમનું જીવન સેવાકીય કાર્યકર્તાઓ માટે પ્રેરણાદાયી હતું. તેમની પ્રેરણાથી જ આ કાર્ય અહીં પ્રારંભ થયું છે. પ્રશિક્ષકો તેમજ ચયનિત શિક્ષાર્થીઓના અનુભવ કથન થયાં, જેમાં તેમણે જણાવ્યુ કે પ્રશિક્ષણના આ કાલખંડ દરમ્યાન પરસ્પર પારિવારિકભાવનાનો વિકાસ થયો. સ્વાવલંબનના ગુણનો વિકાસ થયો. આજના ઈન્ટરનેટના સમયમાં પ્રત્યક્ષ પ્રશિક્ષણના કારણે આપણી લુપ્ત પુરાણી ગુરુ શિષ્ય પરંપરાનો સુખદ અનુભવ થયો.