અમદાવાદઃ અયોધ્યા ખાતે નવનિર્મિત શ્રીરામ મંદિરમાં ભગવાન શ્રીરામના બાળ સ્વરુપ એવા રામલલાની મુર્તિનો પૂન:પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દિનાંક 22મી જાન્યુઆરીના રોજ થવા જઇ રહ્યો છે. આ સમારોહના નિમંત્રણ અનેક ગણમાન્ય મહાનુભવોને આપવામાં આવી રહ્યા છે ત્યારે શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ન્યાસ વતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંત કાર્યવાહ શ્રી શૈલેશભાઈ પટેલ અને વિશ્વ હિંદુ પરિષદ ગુજરાત પ્રાંત મહામંત્રી અશોકભાઈ રાવલે ભગવાન શ્રીરામના બાળ સ્વરૂપ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનું નિમંત્રણ શ્રી રામજન્મભૂમિ આંદોલનમાં સક્રીય રહેલા વિશ્વ હિંદુ પરિષદના તત્કાલીન આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. પ્રવિણભાઈ તોગડિયાને આજે રુબરુ મળી ને આપ્યું.
22 જાન્યુઆરી 2024ના રોજ યોજાઇ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના નિમંત્રણનો ડૉ. પ્રવિણભાઈ તોગડિયાએ સહર્ષ સ્વીકાર કરતા શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસનો આભાર વ્યક્ત કરીને જણાવ્યું કે, ‘રામમંદિર મારા જીવનનો એક ભાગ રહ્યું છે. તેમણે 1984ની પ્રથમ ધર્મ સંસદ, તાળા ખોલો અભિયાન, રામજાનકી યાત્રા, શ્રીરામ શિલા પૂજન, 1989 રામજન્મભૂમિ શિલાન્યાસ, 1990ની પ્રથમ કારસેવા, 1992ની કારસેવા આ બધા સાથે તે જોડાયેલા હતા તેનું સ્મરણ કર્યુ.
ડૉ. તોગડિયાએ કહ્યું કે ધારા 370 દૂર થઈ અને શ્રી રામ મંદિર આ બંને હિંદુઓ માટે ઐતિહાસિક વિજયના પ્રસંગ છે. તેમણે એ પણ કહ્યું કે ધારા 370 દૂર કરવામાં નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહની ઐતિહાસિક ભૂમિકા રહી છે. તેમણે ભગવાન શ્રીરામ મંદિરનો યશ 450 વર્ષ સંઘર્ષ કર્યો એ પેઢીઓને અને 8 લાખ કારસેવકોને પણ આપ્યો અને સમૃદ્ધ હિંદુ, સુરક્ષિત હિંદુ, સંન્માનયુક્ત હિંદુ અને સ્વસ્થ હિંદુ અને હિન્દુઓની પ્રગતિ માટે કાર્ય કરવા માટે આવ્હાન કર્યું.