નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે ઈસ્લામાબાદમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન-SCOની સરકારના વડાઓની 23મી બેઠકમાં ભાગ લેશે. તેઓ ગઈકાલે પાડોશી દેશની બે દિવસીય મુલાકાતે પાકિસ્તાન પહોંચ્યા હતા. પાકિસ્તાનની અધ્યક્ષતામાં યોજાનારી આ SCO બેઠકમાં ડૉ. જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
ભારત SCOની તમામ પ્રકારની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લે છે. સંસ્થા દર વર્ષે સરકારના વડાઓની બેઠક યોજે છે જેમાં વેપાર અને આર્થિક એજન્ડાની ચર્ચા કરવામાં આવે છે. અગાઉ ડૉ. જયશંકરે કહ્યું હતું કે તેમની પાકિસ્તાનની મુલાકાત બહુપક્ષીય હેતુ માટે છે. તેમણે આ પ્રસંગે કોઈ દ્વિપક્ષીય વાટાઘાટો થવાની શક્યતાને નકારી કાઢી હતી. નવ વર્ષમાં કોઈ ભારતીય વિદેશ મંત્રી દ્વારા પડોશી દેશની આ પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત છે.