અમદાવાદ: નિષ્ઠાવાન, ઈમાનદાર, જવાબદાર અને નિરાભીમાની વ્યક્તિનું જીવન અને તેમની જીવનશૈલી ઘણું બધુ શીખવે છે અને હજારો-લાખો વ્યક્તિઓ માટે આવા જ સફળ વ્યક્તિ પ્રેરણાદાયક બનતા હોય છે.
તો આવા જ એક વ્યક્તિ છે ડૉ.શિરીષ કાશીકર જે હાલ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમની સંસ્થા NIMCJમાં ડિરેક્ટરનું પદ શોભાવે છે.. આ વ્યક્તિનો સ્વભાવ, તેમની જીવનશૈલી, તેમની જીવન જીવવાની રીત અને તેમની વિચારધારા કોઈપણ દિશાવિહીન વ્યક્તિને જીવનમાં પ્રેરણાસ્ત્રોત બની શકે છે. શિરીષ કાશીકરના જીવનમાં ઘણા એવા પ્રસંગો બન્યા જે તેમના માટે સામાન્ય ન હતા પણ તેમાંથી તેઓ પોતે પણ શીખ્યા અને અન્ય લોકોને પણ તેમાંથી શીખવાનું સૂચન આપે છે.
આરએસએસના પ્રથમ વર્ષ કેમ્પમાં મેળવ્યું સન્માન
તો વાત એવી છે કે.. વર્ષ 1986માં ડૉ. શિરીષ કાશીકરનું દસમું ધોરણ પૂર્ણ થયું હતું અને તે સમય દરમિયાન એટલે કે સમર વેકેશનમાં તેઓ આરએસએસની (RSS)ની શાખાના પ્રથમ વર્ષ તાલિમ કેમ્પ માં ગયા હતા. કેમ્પમાં બે પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવતી – શારીરિક અને બૌદ્ધિક.. અને ડૉ. શિરીષ કાશીકરએ શારિરીક સ્પર્ધામાં પહેલો નંબર અને બૌદ્ધિક સ્પર્ધામાં ત્રીજો નંબર મેળવ્યો હતો જે તેમના જીવનની મહત્વપુર્ણ અને યાદગાર ક્ષણ હતી. આ ક્ષણે તેમની અંદર એક પત્રકારનો જન્મ થયો હશે તેવુ ડૉ. શિરીષ કાશીકરએ જણાવ્યું.
જો કે આ કેમ્પમાં જેટલા પણ સ્વયં સેવકો આવતા તે એકબીજા સાથે દેશભક્તિ અને અન્ય વિષયો પર ચર્ચા વિચારણાઓ કરતા અને પછી તેના વિશે લખીને સબમીટ કરતા હતા અને પછી તેની સ્પર્ધા થતી હતી.
એન્જિનિયરીંગથી આર્ટસ સુધીની સફર
ડૉ. શિરીષ કાશીકરના જીવનમાં તેમણે પહેલા એન્જિનિયર બનવાનો નિર્ણય કર્યો હતો અને તેઓએ ડિપ્લોમાં એન્જિનિયરીંગ ભણવાનું પણ શરૂ કર્યું હતુ, પણ તેમની માતાના એક વાક્યએ તેમનું જીવન બદલ્યું તેવી કહી શકાય. તેમની માતાએ ડૉ. શિરીષ કાશીકરને એન્જિનિયરીંગ ભણતી વખતે કહ્યું હતુ કે તેમણે એન્જિનિયરીંગ મુકીને આર્ટસ પર ધ્યાન આપવું જોઈએ અને તે બાદ તેમણે ધોરણ 11 અને12 તથા કોલેજ આર્ટસમાં કરી અને પત્રકારિતામાં અનુસ્નાતક કર્યું જેમાં તેઓ યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યા હતા.
તેમનું પણ જીવન તેમની માતાની સલાહ બાદ બદલાયું જેવી રીતે આજે તેમની સલાહ સૂચનથી અનેક વિદ્યાર્થીઓના જીવન સફળતાના રસ્તા પર આવી જાય છે.
પત્રકારત્વની નોકરીમાંથી માહિતી ખાતા સુધીની સફર
ડૉ. શિરીષ કાશીકર એ વાતમાં આજે પણ માને છે કે મહેનત કરશો તો બધુ મળશે પણ ધીરજ રાખવી પણ જરૂરી છે અને આ વાતે તેમને માહિતી ખાતામાં નોકરી અપાવી એવુ કહી શકાય. ડૉ.શિરીષ કાશીકરે પોતાનું પત્રકારત્વનું ભણવાનું પૂર્ણ કરીને રાજકોટના એક સાંધ્ય સમાચારપત્રમાં લગભગ અઢી વર્ષ કામ કર્યું અને તે દરમિયાન તેમણે માહિતી ખાતામાં નોકરી માટે પરીક્ષા આપી હતી જેનો ઑફર લેટર લગભગ તેમને પરીક્ષા આપ્યાના દોઢ વર્ષ પછી મળ્યો હતો.
માહિતી ખાતામાં નોકરી માટે પણ તેમણે રાહ જોઈ હતી પણ હિંમત હારી ન હતી અને આખરે તેમને માહિતી ખાતામાં નોકરી મળી હતી. જો કે ડૉ. શિરીષ કાશીકરે નોકરીની સાથે સાથે પોતાનું Ph.D પણ પૂર્ણ કર્યું હતું. તેઓએ માહિતી ખાતામાં ૯ વર્ષથી વધારે સેવા આપી હતી.
માહિતી ખાતામાં લાંબા સમય કર્યા બાદ મળ્યું મનપસંદ કામ
પત્રકારિતા અને માહિતી ખાતામાં નોકરી કરતા કરતા તેમણે પીએચડીની ડિગ્રી તો મેળવી લીધી અને તે બાદ તેમને લાગ્યું કે તેમને એકેડેમિક ક્ષેત્રમાં જવું જોઈએ.. આ માટે તેઓ પ્રયાસરત હતા. આખરે તેમનું નસીબ ચમક્યું અને NIMCJમાં (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ) જોડાયા. હાલ તેઓ આ સંસ્થામાં નિયામક તરીકે ફરજ બજાવી રહ્યા છે અને ૧૩ વર્ષથી આ જ સંસ્થા સાથે જોડાયેલા છે. તેઓને તે વાતની ખુશી છે કે તેમને મનગમતું કામ મળ્યું અને જે વિચારો સાથે કામ કરવું છે તેમની સાથે કામ કરવાની તક મળી.
જ્યારે પણ જીવનમાં આવો કોઈ મોટો નિર્ણય લેવાનો હોય ત્યારે પરીવાર વિશે વિચાર પહેલો આવે પણ જો કે પરીવાર તરફથી એમના તમામ નિર્ણયોમાં સાથ-સહકાર મળતા તેઓ આ કામમાં પણ સારી રીતે જોડાઈ શક્યા.
ઘર જેવી સંસ્થા એટલે કે એનઆઈએમસીજે માટે નિષ્ઠાપૂર્વક કામ
ડૉ. શિરીષ કાશીકર વિદ્યાર્થોઓ માટે દરેક જરૂરી પગલા લઈ રહ્યા છે અને તેઓ તેના માટે દિવસ-રાત કામ કરી રહ્યા તેવું કહી શકાય. તેઓએ જ્યારથી સંસ્થાની જવાબદારી સંભાળી છે ત્યારથી લઈને આજ સુધી તેઓ માને છે કે એમની સંસ્થામાં ભણનારા વિદ્યાર્થી બે બાબતે એટલે કે વૈચારીક અને કામની દ્રષ્ટિએ તમામ સ્થિતિને બેલેન્સ કરી શકે તેવા હોવા જોઈએ.
ડૉ. શિરીષ કાશીકરે વધારે ઉમેરતા કહ્યું કે આજકાલના વિદ્યાર્થીઓના ભવિષ્યના લક્ષ્ય નક્કી કરેલા હોય છે તેઓ એવા વિદ્યાર્થીઓને પણ સાચી દિશામાં માર્ગદર્શન આપે છે જે ઘણા બધા વિકલ્પમાં મૂંઝવણ અનુભવી રહ્યા છે.
ડૉ. શિરીષ કાશીકર વિદ્યાર્થીઓને એ તમામ બાબતે માર્ગદર્શન આપે છે જેની તેમને જરૂર હોય અને તેઓની સંસ્થાએ પત્રકારિતાના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને એવા કોર્સ તૈયાર કર્યા છે જે ભણ્યા બાદ તેમને નોકરી કે કામ મળી રહે. આ રીતે કરતા કરતા તેમણે છેલ્લા ૧૩ વર્ષમાં અસંખ્ય વિદ્યાર્થીઓને સાચી દિશામાં માર્ગદર્શન આપ્યું છે અને તેમને રોજગાર યોગ્ય બનાવ્યા છે.
આર્થિક રીતે સક્ષમ ન હોય તેવા વિદ્યાર્થીઓને મદદ
આજના સમય કેટલાક વિદ્યાર્થીઓ એવા હશે કે જેમને ભણવું છે પરંતુ આર્થિક પરિસ્થિતિના કારણે તેઓ ભણી શકતા નથી અને આવા વિદ્યાર્થીઓની મદદને લઈને પણ તેમણે ખુબ મહત્વની વાત કહી. ડૉ. શિરીષ કાશીકર શિક્ષણને ખૂબ મહત્વ આપે છે અને તેમણે કહ્યું કે તેમની સંસ્થામાં કોઈ પણ વિદ્યાર્થી આર્થિક કારણોસર ન ભણી શકે એવું તેમના ટ્રસ્ટના સંચાલકો થવા દેતા નથી. વિદ્યાર્થીમાં ધગશ હોવી જોઈએ, મહેનત કરવાની તૈયારી હોવી જોઈએ , પૈસાની વ્યવસ્થા થઈ શકે.
ડૉ. શિરીષ કાશીકરે જણાવ્યું કે તેઓ તેમની સંસ્થા વિદ્યાર્થીઓને એ સુવિધા પણ આપે છે જેમાં કોઈ વિદ્યાર્થી પોતાનું સ્ટાર્ટ-અપ સેટ કરી શકે છે. તો ડૉ. શિરીષ કાશીકર તેમની સંસ્થામાં ભણેલા વિદ્યાર્થીઓને તમામ રીતે મદદરૂપ સાબિત થવાના દરેક પ્રયાસ કરે છે અને આ કારણોથી જ વિદ્યાર્થી સફળ બને છે.
સફળતા માટે ડૉ. શિરીષ કાશીકરના જીવનનો સિદ્ધાંત
જીવનમાં દરેક લોકો મહેનત કરે છે અને સફળ થવા માટે દોડે છે, સફળતાના રસ્તા પર ડૉ. શિરીષ કાશીકર પણ દોડ્યા છે અને આ બાબતે તેઓ માને છે કે મહેનત કરશો તો બધુ મળશે પણ ધીરજ રાખવી પણ જરૂરી છે.
તેઓ કહે છે કે કોઈપણ સમયે કોઈપણ કામ કરો પણ એમા પોતાની જાતને પુરેપુરી ઝોંકી દેવી અને એમા પોતાનું ૧૦૦ ટકા આપવું અને ઈમાનદારીથી કામ કરવું. તેઓ સફળતા નિષ્ફળતા સામે ક્યારેય નથી જોતા પણ જે કામ કરો તેને પૂર્ણ નિષ્ઠાથી કરવું એમ તેઓ માને છે.
(-VINAYAK)