અમદાવાદઃ શહેરની સાબરમતી નદીમાં પણ પ્રદુષણ વધતું જતા અને વારંવારની સુચના છતાં કોઈ પગલાં ન લેવાતા આખરે હાઈકોર્ટે લાલ આંખ કરી હતી. અને ત્વરિત પગલાં લેવાનો આદેશ આપ્યો હતો. આથી સાબરમતી નદીમાં પ્રદુષિત પાણી છોડતા 32 ઉદ્યોગોની ડ્રેનેજ લાઈન કાપી નાંખવામાં આવતા ઉદ્યોગકારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
અમદાવાદમાં સાબરમતી નદીમાં વધી રહેલા પ્રદૂષણ મામલે હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીમાં અમદાવાદની કેટલીક કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ નદીમાં કેમિકલવાળું પાણી ઠાલવતી હોવાની રજૂઆત મળ્યા પછી હાઇકોર્ટે આ એકમો સામે પગલાં લેવા મ્યુનિ.ને કરેલા આદેશ બાદ સોમવારે 32 ઈન્ડસ્ટ્રીઝની ડ્રેનેજ લાઈન કાપી નંખાઈ હતી. મ્યુનિ. હદ વિસ્તારમાં કુલ 14 એસ.ટી.પી. કાર્યરત છે. જેમાં નદીની પૂર્વ બાજુએ આવેલા એસ.ટી.પી.માં મર્યાદાથી પણ ઘણા વધારે પાણીની આવક થઈ રહી છે.
ગુજરાત હાઈકોર્ટે મ્યુનિ. ની ઝાટકણી કાઢ્યા બાદ મ્યુનિ. દ્વારા પોતાની યુટિલિટીના મેન્ટેનન્સ માટે તાકીદે ડ્રેનેજ લાઈનોમાં કરેલા ગેરકાયદેસ જોડાણો કાપવાની કામગીરી શરૂ કરી હતી. સાબરમતીમાં ઔદ્યોગિક એકમો દ્વારા છોડાતા પ્રદુષિત પાણી મામલે થયેલી સુઓમોટો અરજીમાં જસ્ટિસ જે.બી પારડીવાલાની ખંડપીઠે નિષ્ણાતોની કમિટી દ્વારા રજૂ કરેલા રિપોર્ટ મુજબ જે ઉધોગો પ્રદૂષણ ફેલાવે છે તેમના પાણી, વીજળીના કનેકશન કાપી નાખવા સરકારને, જીપીસીબી અને કોર્પોરેશનને મંજૂરી આપી હતી. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ સરકારને પગલા લેવાની ફરજ પડી છે. શહેરમાં ઘણીબધી કેમિકલ ફેક્ટરીઓ અને અન્ય ઉદ્યોગો દ્વારા સાબરમતી નદીમાં ગંદુ પાણી છોડવામાં આવે છે તેના લીધે નદી પ્રદુષિત બની ગઈ છે.