Site icon Revoi.in

નેશનલ હાઈવે પર કરજણના ભરથાણા ટોલપ્લાઝા પર ટોલમાં ધરખમ વધારો

Social Share

 

વડોદરાઃ અમદાવાદ-મુંબઈ  નેશનલ હાઈવે પર વડોદરાથી ભરૂચ જતા કરજણ પાસે ભરથાણા ખાતે આવેલા ટોલનાકા પરના ટોલમાં ધરખમ વધારો કર્યો છે. મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામો બાદ રાતોરાત ટોલમાં તોતિંગ વધારો કરાતા વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ટોલમાં  રૂા.50 થી લઇને 155 રૂપિયા સુધીનો ભાવ વધારો વાહન ચાલકો પર ઝીંકવામાં આવ્યો છે. જેમાં કાર, મિનિ બસ, બસ, ટ્રક આમ પેસેન્જર વાહનો અને કોમર્શિયલ વાહનોના ટોલ ટેક્સમાં ધરખમ ભાવવધારો થતાં વાહનચાલકોના ખિસ્સા પર બોજ વધશે.

વડોદરાથી ભરૂચ સુધીના નેશનલ હાઈવે 48 ઉપર કરજણના ભરથાણા ગામ પાસે આવે ટોલનાકા પર અગાઉ પણ ટોલટેક્સમાં ભાવ વધારો કરાયો હતો. પણ તત્કાલિન સમયે ભારે વિરોધ થતાં ટોલટેક્સમાં વધારો એક મહિનો મુલતવી રાખવામાં આવ્યો હતો. કહેવાય છે કે,  મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઈને ટોલટેક્સમાં ભાવવધારો મુલતવી રખાયો હતો. હવે 25 નવેમ્બરે રાતના 12 વાગ્યા બાદ વડોદરાથી ભરૂચ વચ્ચે ટોલ ટેક્સમાં ધરખમ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. જેમાં કારનો જૂનો ટોલટેક્ષ 105 હતો તે વધારીને 155 કરાયો છે. જ્યારે વિધાઉટ ફાસ્ટેગ કારનો ચાર્જ 155 હતો તે વધારીને 310 કરી દેવાયો છે. મિનિ બસ અને મિનિ ટેમ્પોનો જૂનો ભાવ 180 રૂપિયા હતો જે વધારીને 245 રૂપિયા કરી દેવાયો છે. વિધાઉટ ફાસ્ટેગનો જૂનો ભાવ 270 હતો જે વધારીને 490 કરી દેવાયો છે. ટ્રક અને બસનો જૂનો ટોલટેક્ષ 360 રૂપિયા હતો જે વધારીને 515 રૂપિયા કરાયો છે.જ્યારે વિધાઉટ ફાસ્ટેગ 540 રૂપિયા હતો તે વધારીને 1030 રૂપિયા કર્યો છે. એવી જ રીતે ટુ એક્સલ થ્રી એક્સલ સુધીના કોમર્શિયલ વેહિકલના ટોલટેક્ષમાં પણ ધરખમ ભાવ વધારો કરાયો છે. આમ મહારાષ્ટ્રની ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ તરત નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વડોદરા ભરૂચ વચ્ચે ટોલટેક્ષમાં ભાવધારો કરતાં હવે વાહનચાલકોના ખિસ્સા પર બોજ વધશે.