- દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ પદ માટે નામાંકન કરશે
- PM મોદી સહિત બીજેપીના ઘણા મોટા નેતાઓ રહેશે હાજર
- દેશના નવા રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઈએ યોજાશે
દિલ્હી: ઝારખંડના પૂર્વ રાજ્યપાલ અને NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ આજે 12 વાગ્યે સંસદ ભવનમાં ઉમેદવારી ફોર્મ કરશે. આ અવસર પર પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત NDAના મોટા નેતાઓ હાજર રહેશે.
રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મુના ઉમેદવારી ફોર્મ માટેના નોમિનેશન પેપર પર કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીના ઘરે પ્રસ્તાવક અને સમર્થક તરીકે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. દ્રૌપદી મુર્મુના નામાંકન પત્રમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પ્રથમ પ્રસ્તાવક બન્યા છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું, “મારું સૌભાગ્ય છે કે,ભારતના પ્રથમ આદિવાસી સમાજ અને દેશના બીજા મહિલા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર આદરણીય શ્રીમતી દ્રૌપદી મુર્મુ જીને પ્રથમ બીજા (પ્રથમ સમર્થક) તરીકે ઉમેદવારી ફોર્મ પર સહી કરવાની તક મળી.”
ઉમેદવારી ફોર્મ નોંધાવતા પહેલા મુર્મુએ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી,રક્ષામંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટી પ્રમુખ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. જેપી નડ્ડા ચૂંટણી પ્રક્રિયાને લઈને પાર્ટીના નેતાઓને મળ્યા હતા. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મુર્મુ માટે સમર્થન મેળવવા માટે તે દેશનો પ્રવાસ કરશે.
રાષ્ટ્રપતિની ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 29 જૂન છે. દેશના નવા રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઈએ થવાની છે. મતગણતરી 21 જુલાઈના રોજ થશે. એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુનો મુખ્ય મુકાબલો વિપક્ષી ઉમેદવાર યશવંત સિંહા સામે છે.