DRDO: વર્ટિકલ શાફ્ટ આધારિત ભૂગર્ભ દારૂગોળા સંગ્રહના માળખાની ડિઝાઈનનું પરિક્ષણ કરાયું
નવી દિલ્હીઃ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) ની દિલ્હી સ્થિત પ્રયોગશાળા સેન્ટર ફોર ફાયર, એક્સપ્લોઝિવ એન્ડ એન્વાયર્નમેન્ટલ સેફ્ટી (CFEES) એ વર્ટિકલ શાફ્ટ આધારિત ભૂગર્ભ ઓર્ડનન્સ સ્ટોરેજ ફેસિલિટી ડિઝાઇન અને વિકસાવી છે. તે વિસ્ફોટની ઓવરહેડ અસરને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે જેના પરિણામે આસપાસની સુવિધાઓ પર વિસ્ફોટની ઓછી અસર થાય છે. તાજેતરમાં આ ભૂગર્ભ દારૂગોળા સંગ્રહ માળખાની ડિઝાઇન માન્યતા માટે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સશસ્ત્ર દળોની હાજરીમાં ભૂગર્ભ સંગ્રહ સુવિધાના એક ચેમ્બરમાં 5,000 કિલો TNTનો વિસ્ફોટ કરીને પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
CFEES ટીમે સ્થળ પરની શક્યતા અને એકંદર સલામતીને ધ્યાનમાં રાખીને પરીક્ષણ કર્યું હતું. પરીક્ષણ દરમિયાન રેકોર્ડ કરવામાં આવેલ તમામ ડેટા અંદાજો સાથે સુસંગત હતા. આ ભૂગર્ભ સુવિધા સુનિશ્ચિત કરશે કે જો અંદર વિસ્ફોટ થવાનો હોય, તો તે નજીકના ચેમ્બરને નુકસાન પહોંચાડશે નહીં અને તેમને તેમની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે. યોગ્ય માત્રામાં જમીન ન મળવાને કારણે સશસ્ત્ર દળોને તેમની જરૂરિયાત મુજબ દારૂગોળો રાખવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.
સુરક્ષાની દૃષ્ટિએ દારૂગોળાના સંગ્રહમાં ઘણું અંતર રાખવું પડે છે. જ્યારે ઓર્ડનન્સ સ્ટોરેજ ભૂગર્ભમાં હોય છે, ત્યારે સુરક્ષાની દૃષ્ટિએ જે અંતર રાખવું પડે છે તે ઘણું ઓછું થઈ જાય છે. યાંત્રિક પરીક્ષણમાંથી પ્રાપ્ત પરિણામોના આધારે, ચેમ્બર ઓર્ડનન્સ સ્ટોરેજ દીઠ 120 MT (40 MT ચોખ્ખી વિસ્ફોટક સામગ્રી) માટે સલામતી અંતર સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. ઓર્ડનન્સ સ્ટોરેજની આ અનોખી ડિઝાઈનનો એક ફાયદો એ છે કે સુરક્ષાની દ્રષ્ટિએ અંતર ઘટાડવા ઉપરાંત હાલની ડિઝાઈનની સરખામણીમાં કિંમતમાં પણ 50 ટકાનો ઘટાડો આવે છે. આ ડિઝાઇન કોઈપણ પ્રકારના હવાઈ હુમલા અથવા નુકસાનની પ્રવૃત્તિઓથી સ્ટોરમાં સંગ્રહિત દારૂગોળાની ઉચ્ચ સુરક્ષાની ખાતરી કરશે.
સંરક્ષણ સંશોધન અને વિકાસ વિભાગના સચિવ અને DRDOના અધ્યક્ષે કહ્યું કે નવી સ્ટોરેજ સુવિધાનો ઉપયોગ સશસ્ત્ર દળો દ્વારા તમામ પ્રકારના ઓર્ડનન્સ સ્ટોર કરવા માટે વ્યાપકપણે કરી શકાય છે. હવાઈ હુમલા અથવા તોડફોડથી સંગ્રહિત ઓર્ડનન્સની સુરક્ષા સુનિશ્ચિત કરતી વખતે આ સુવિધાએ જમીનની જરૂરિયાતમાં ઘટાડો કર્યો છે.