- ડીઆરડીઓ એ માનવરહીત બોટનું સફળ પરિક્ષણ કર્યું
- આ બોટ હથિયારોથી સજ્જ છે જે રિમોટથી ચાલે છે
દિલ્હીઃ- ભારતની ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન સમય સાથે તાલ મેળવીને અવનવું સંસોધન કરવા માટે વિશ્વભરમાં આગવી ઓળખ ઘરાવે છે ત્યારે વિતેલા દિવસને એ બુધવારે પુણેમાં ડેફએક્સપો-2022 પહેલા 3 રિમોટથી કંટ્રોલ એવી માનવરહિત, સશસ્ત્ર બોટનું ડીઆરડીઓએ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.
ડીઆરડીઓ દ્વારા વિકસિત આ બોટનું નામ હજુ સુધી રાખવામાં આવ્યું નથી. ટ્રાયલ દરમિયાન, આ સશસ્ત્ર બોટને દૂરથી બેસીને રિમોટ કંટ્રોલ દ્વારા નિયંત્રિત કરવામાં આવી હતી. જો કે આ બોટને ભારતીય નેવી અને કોસ્ટ ગાર્ડમાં ક્યારે સામેલ કરવામાં આવશે તે હજુ સુધી જણાવવામાં આવ્યું નથી.
ડીઆરડીઓના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટના ગ્રુપ ડાયરેક્ટર પીએમ નાઈકે આ પરિક્ષણને લઈને કહ્યું કે આ બોટ પર કોઈ પણ નાવિક એટલે કે માનવી હશે નહીં, તેને નિયંત્રિત કરવા માટે વીડિયો ફીડને ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
આ સાથે જ આ બોટનો ઉપયોગ દરિયાઈ સીમા પર નજર રાખવા માટે કરવામાં આવશે. આ બોટ દુશ્મનની હિલચાલ પર નજર રાખવા અને પેટ્રોલિંગ કરવા માટે ઉપયોગી છે.
કોઈપણ ઈમરજન્સીની સ્થિતિમાં દુશ્મનનો સામનો કરવા માટે બોટમાં અનેક હથિયારો પણ સજ્જ કરવામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું કે ટીમના આત્મવિશ્વાસના સ્તરને વધારવા માટે અમે હાલમાં ભામા-આસખેડ ડેમ ખાતે આ બોટનું પરીક્ષણ કરી રહ્યા છીએ.જો બોટને નૌસેનાના બેડામાં આવનારા સમયમાં સામેલ કરવામાં આવે છે તો દરિયાઈ સુરક્ષા વધી શકે છે,માનવ રહિત હોવાથી કોઈ જોખમ પણ સર્જાશે નહી.