અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનના કર્મચારીઓ માટે ડ્રેસકોડ યાને કે યુનિફોર્મ નક્કી કરવામાં આવ્યો છે. જો કે યુનિફોર્મ સામે કર્મચારીઓમાં નારાજગી પણ જોવા મળી રહી છે. પણ ખૂલ્લીને વિરોધ કરી શકતા નથી. હવે મ્યુનિની પટ્ટાવાળા, સફાઈ કામદારોથી લઈને છેક ઉચ્ચ અધિકારીઓ પણ નિશ્ચિત કલરનાં ડ્રેસમાં જોવા મળશે. જેમાં ડે.કમિશનર સહિતનાં ક્લાસ-1-2 અધિકારીઓ ગ્રે કલરનાં શર્ટ અને બ્લેક કલરનાં પેન્ટમાં જોવા મળશે. જ્યારે ક્લાસ 3 સ્કાય બ્લ્યુ અને નેવી બ્લ્યુ કલર, ડ્રાઇવર વગેરે ખાખી કલર પટાવાળા-જમાદારને સફેદ કલર, મુકાદમ, લિફ્ટમેન ક્રીમ યલો અને ઓલિવ ગ્રીન કલર,મહિલાઓ માટે ક્લાસ 1-2 બ્લ્યુ કલર, દુપટ્ટો સફેદ, ક્લાસ 3 સ્કાય બ્લ્યુ કલર, સફાઇ કામદાર સાડી-ડ્રેસ બદામી કલર નિયત કરાયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના કર્મચારીઓને ડ્રેસકોડ નક્કી કરવામાં આવ્યો છે. જો કે, વર્ગ ચારમાં આવતાં પટાવાળા, સફાઇ કામદાર માટે તો વર્ષોથી ડ્રેસકોડ છે અને તેમને દર વર્ષે ડ્રેસ માટે પગારમાં નાણાં પણ ચૂકવવામાં આવે છે. જોકે ડ્રેસ માટે નાણાં લેતા કર્મચારીઓ ડ્રેસ પહેરીને આવતા નથી તે અલગ બાબત છે. મ્યુનિ.માં અગાઉ પણ કેટલીય વાર તમામ કર્મચારીઓ માટે ડ્રેસકોડ લાગુ પાડવાની વાતો થઇ છે, પરંતુ તેની ઉપર નક્કર અમલ થયો નથી. કમિશનર એમ.થેન્નારસને તમામ કર્મચારી-અધિકારી માટે ડ્રેસકોડ લાગુ પાડવા અને સિલાઇ ખર્ચ આપવાનો નિર્ણય લીધો હતો. તમામે નિયત કરાયેલા કલરનાં ડ્રેસ પહેરવા કમિશનરે સુચના આપી છે. કમિશનર લેવલે ડ્રેસકોડનો નિર્ણય લેવાયા બાદ મ્યુનિ. સેન્ટ્રલ સ્ટોર્સ દ્વારા મ્યુનિ.નાં વર્ગ 1થી ચાર સુધીનાં કર્મચારી-અધિકારીઓ માટે કાપડ ખરીદી કરવાનો તથા સિલાઇ ખર્ચ ઇસીએસ સિસ્ટમથી પગારમાં આપવાની નીતિ નક્કી કરવા તેમજ ડ્રેસકોડ નીતિ અંગે જરૂરિયાત પ્રમાણે કાર્યવાહી કરવાની મંજૂરી માંગતી દરખાસ્ત મટિરિયલ મેનેજમેન્ટ કમિટીમાં રજૂ કરી હતી.
આ બાબતે સેન્ટ્રલ સ્ટોર્સનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, મ્યુનિ.માં ફરજ બજાવતાં તમામ કર્મચારી અને અધિકારીઓને સરળતાથી ઓળખ થઇ શકે તે માટે ડ્રેસકોડ આવશયક છે અને તેનાથી શહેરીજનોમાં પણ આગવી અસર ઊભી થશે. અગાઉ સુરત મ્યુનિ.કોર્પોરેશનમાં પણ ડ્રેસકોડ લાગુ કરાયો હતો. ડ્રેસકોડ માટે જરૂરી કાપડ ઉત્તમ ગુણવત્તાનુ ખરીદવામાં આવશે તેમજ શર્ટ અને પેન્ટ માટે નિયત માપ પ્રમાણે કાપડ આપવામાં આવશે. જ્યારે મહિલાઓને સાડી-સલવાર-પાયજામા, લેગિંગ્સ તથા દુપટ્ટા ખરીદી આપવામાં આવશે.
સૂત્રોએ કહ્યું કે, કાપડ ખરીદીનો નિર્ણય તો ક્યારનોય લેવાયો હતો, પરંતુ સિલાઇ ખર્ચ કયા ધોરણે આપવો તે નક્કી થતુ નહોતુ. તેથી રાજ્ય સરકારમાંથી તાજેતરમાં જ સિલાઇ ખર્ચ પેટે 600 રૂપિયા નક્કી કરાયા છે તેનો આધાર લઇને મ્યુનિ.માં પણ સિલાઇ ખર્ચ 600 ચૂકવવાનુ નક્કી કરી દેવાયા બાદ દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે.