DRI એ રૂ. 26.8 કરોડથી વધુની કિંમતની આર્ટ અને એન્ટિક વસ્તુઓ જપ્ત કરી
અમદાવાદ: વૈશ્વિક સાંસ્કૃતિક વારસાના રક્ષણ માટેના પોતાના સંકલ્પને આગળ ધપાવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ વિન્ટેજ આર્ટિકલ્સ, એન્ટિક વસ્તુઓ અને ઐતિહાસિક કલાકૃતિઓ જપ્ત કરી છે, જેની કિંમત બજારમાં રૂ. 26.8 કરોડથી વધુ હોવાનો અંદાજ છે.
એક ચોક્કસ બાતમી પર કાર્યવાહી કરતા, ડીઆરઆઇએ યુએઇના જેબેલ અલીથી આયાત કરવામાં આવતા આયાત કન્ટેનરની ઓળખ કરી હતી, જેને કસ્ટમ્સ સમક્ષ વિસ્તૃત તપાસ માટે “અનએકમ્પનીડ બેગેજ ફોર પર્સનલ ઇફેક્ટ્સ” તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.
તપાસ દરમિયાન કન્ટેનરમાં જૂની મૂર્તિઓ, વિન્ટેજના વાસણો, પેઇન્ટિંગ્સ, એન્ટિક ફર્નિચર અને અન્ય કિંમતી હેરિટેજ ચીજવસ્તુઓ હોવાનું જાણવા મળ્યું હતું. કેટલાક આર્ટિકલ્સ 19મી સદીના છે. આમાંની કેટલીક ચીજવસ્તુઓ કિંમતી પથ્થરો, સોના, ચાંદી અથવા સોના/ચાંદીનું કોટિંગ ધરાવતી હતી. જપ્ત કરવામાં આવેલી મોટાભાગની વસ્તુઓ યુરોપિયન દેશો, ખાસ કરીને યુકે અને નેધરલેન્ડ્સની છે. કસ્ટમ્સ ડ્યુટીથી બચવા માટે આ માલનું મૂલ્ય ખૂબ જ ઓછું આંકવામાં આવ્યું હતું.
ગેરકાયદેસર બજારમાં આવી વસ્તુઓની ભારે માંગ છે. કેસની તપાસ પ્રગતિ હેઠળ છે.