અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટના કાર્ગો કોમ્પલેક્સમાંથી DRIએ 25 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું
અમદાવાદઃ શહેરમાં ડ્રગ્સની હેરાફેરી સામે પોલીસ ઉપરાંત ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજેન્સ યાને ડીઆરઆઈ પણ સક્રિય બન્યુ છે. ત્યારે શહેરના સરદાર પટેલ એરપોર્ટ પરના કાર્ગો કોમ્પલેક્સમાં રેડ પાડીને કેમિકલની આડમાં વિદેશ મોકલાતો ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો.જેમાં એરકાર્ગો કોમ્પલેક્સમાંથી રૂ. 25 કરોડની કિંમતનું 50 કિલો કેટામાઈન ડ્રગ્સ જપ્ત કરાયું હતું.
અમદાવાદ શહેરના સરદાર પટેલ એરપોર્ટના એરકાર્ગો કોમ્પલેક્સમાંથી રૂ. 25 કરોડની કિંમતનું 50 કિલો કેટામાઈન ડ્રગ્સ જપ્ત કર્યું છે. ડીઆરઆઈએ એર કાર્ગો કોમ્પલેક્સમાં 25 કરોડની 50 કિ.ગ્રા. કેટામાઈન જપ્ત કર્યું હતુ. 3 મહિનામાં આ ત્રીજી સૌથી મોટી કાર્યવાહી છે. ડીઆરઆઈએ સિન્થેટિક ડ્રગ્સ ઉત્પાદન અને દાણચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. ડીઆરઆઈની બેક-ટુ-બેક કાર્યવાહીના કારણે તમામ મુદ્દામાલ સાથે 3 શખસોની ધરપકડ કરવામાં આવી છે. ચોક્કસ બાતમીના આધારે ડીઆરઆઈ અમદાવાદના અધિકારીઓ દ્વારા એર કાર્ગો કોમ્પ્લેક્સ ખાતે એક નિકાસ કન્સાઇન્મેન્ટને અટકાવવામાં આવ્યું હતું. આ કન્સાઇન્મેન્ટમાં ‘હાઇડ્રોક્સીલામાઇન હાઇડ્રોક્લોરાઇડ’ નામનું કેમિકલ છે એવું જણાવવામાં આવ્યું હતું અને તેને થાઇલેન્ડના બેંગકોકમાં મોકલવામાં આવી રહ્યું હતું.
ડીઆરઆઈના સૂત્રોના જણાવ્યા મુજબ ફોરેન્સિક સાયન્સ લેબના અધિકારીઓની હાજરીમાં ઉપરોક્ત કન્સાઇન્મેન્ટની તપાસ કરવામાં આવી હતી. FSLની ટીમે ઉપરોક્ત માલમાં કેટામાઇનની હાજરીની પુષ્ટિ કરી હતી. NDPS એક્ટની જોગવાઈઓ હેઠળ 50 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. આ જપ્ત કરાયેલા પદાર્થની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ. 25 કરોડ આંકવામાં આવી રહી છે. ગાંધીનગરની સીમમાં એક ફેક્ટરીની ઓળખ કરવામાં આવી હતી કે, જ્યા આ પ્રતિબંધિત પદાર્થનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું અને હવાઈ માર્ગે ભારતની બહાર દાણચોરી કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. ગાંધીનગરની સ્થાનિક પોલીસની મદદથી ઉક્ત ફેક્ટરી પરિસરની વિસ્તૃત તપાસ કરતાં NDPS હોવાની શંકામાં 46 કિલો પાઉડર પદાર્થ મળી આવ્યો હતો. તદુપરાંત કાચા માલ, વચેટિયાઓ અને ફેક્ટરી પરિસરની સાથે ઉપરોક્ત પદાર્થની NDPS એક્ટ 1985ની જોગવાઈઓ હેઠળ અટકાયત કરવામાં આવી હતી. વધુમાં ઉપરોક્ત દાણચોરીના પ્રયાસમાં સંડોવાયેલા ત્રણ મુખ્ય વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. હજુ પણ તપાસ શરુ છે.