Site icon Revoi.in

ચુડા તાલુકામાં પીવાના પાણી વિકટ સમસ્યા, ગ્રામજનો રજુઆત માટે મામાલતદાર કચેરીએ પહોંચ્યા

Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લાના ચુડા તાલુકામાં પીવાના પાણીની વિટક સમસ્યા ઊભી થઈ છે. જેમાં તાલુકાના પાંચ ગામોના લોકોએ પાણીનો પ્રશ્ન હલ કરવાના મુદ્દે મામલતદાર કચેરીએ મોરચો માંડ્યો હતો. મહિલાઓ પણ ખાલી બેડા લઈને મામલતદાર કચેરીઓ પહોંચી હતી. અને પાણીની સમસ્યા સત્વરે હલ કરવાની માગણી કરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના નવી મોડવાડ, જૂની મોરવાડ અને જોબાળા સહિતના ગામોમાં હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઇ છે. જેમાં છેલ્લા 40 દિવસથી પીવાનું પાણી તંત્ર દ્વારા પૂરું પાડવામાં ન આવતા ગ્રામજનોએ ચૂડા મામલતદાર કચેરી સામે મોરચો માંડ્યો હતો. તંત્ર દ્વારા પાણીની સમસ્યા હલ કરવા માટેની ખાતરી આપવામાં આવી હતી.

ચૂડા તાલુકાના જોબાળા સહિત પાંચ જેટલા ગામોની મહિલાઓને આકરા ઉનાળાના ધોમધખતા તાપમાં ભર બપોરે માથે બેડા ઉચકી પીવાના પાણીની એક એક બુંદ માટે દૂર દૂર સુધી રઝળપાટ કરવાની નોબત આવી છે. આ અંગે ગામના સરપંચોએ અગાઉ પણ લેખિત રજુઆતો કરી હતી છતાં પ્રશ્નનો કાઈ નિવેડો આવ્યો નથી.  આથી ચૂડા તાલુકાના આ પાંચ ગામની મહિલાઓ ગામના આગેવાનો સાથે બેડા તેમજ માટલાઓ લઈ મામલતદાર કચેરી ખાતે આંદોલન ઉપર ઉતર્યા છે. અને જ્યાં સુધી પીવાનું પાણી નહીં મળે ત્યાં સુધી ઉપવાસ આંદોલન મામલતદાર કચેરી ખાતે ગ્રામજનો ચાલુ રાખશે એવો હુંકાર કર્યો હતો. હાલમાં આકરા ઉનાળા વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લામાં પાણી સમસ્યા વિકટ બનવા પામી છે. ત્યારે એકબાજુ આકાશમાંથી અગનગોળા વરસાવતી ગરમી વચ્ચે લોકો અને એમાંય ખાસ કરીને મહિલાઓ પાણી માટે વલખા મારતી નજરે પડી રહી છે.