અમદાવાદઃ શહેરમાં ઉનાળાના પ્રારંભથી ગરમીમાં પણ વધારો થઈ રહ્યો છે. દર વર્ષે ઉનાળામાં શહેરીજનોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જો કે આ વર્ષે અમદાવાદીઓને પાણીની સમસ્યાનો સામનો કરવો નહીં પડે. સોમવારે મળેલી મ્યુનિ કોર્પોરેશનની વોટર કમિટીમાં ઉનાળામાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાં એક સમયે પાણીના તળ ખૂબજ ઊંડા ઉતરી ગયા હતા. જોકે સાબરમતી નદીમાં રિવરફ્રન્ટ ભરવા માટે નર્મદાના પાણી ઠલવાતા તેના લીધે પાણીના ભૂગર્ભ જળ ઊંચા આવ્યા છે. ઉપરાંત શહેરીજનોને પીવા માટે નર્મદાનું પાણી આપવામાં આવી રહ્યું છે. એટલે આગામી ઉનાળામાં એટલી બધી મુશ્કેલી નહીં પડે પરંતુ શહેરની વસતીમાં ખૂબજ વધારો થયો હોવાથી અને પાણીનો વપરાશ પણ વધ્યો હોવાથી પાણીની સમસ્યા ન સર્જાય તે માટે મ્યુનિની વોટર કમિટી દ્વારા આગોતરૂ આયોજન હાથ ધરાયું છે. જેમાં વોટર કમિટીની બેઠકમાં શહેરમાં જૂના પમ્પિંગ સ્ટેશનને ચેક કરવા સૂચના આપવામાં આવી છે. હાલ શહેરમાં 215 જેટલા પમ્પિંગ સ્ટેશન છે. જેમાં પાણીનું પ્રેશર ચેક કરવાની સૂચના આપવામાં આવી છે. તો જૂના પમ્પિંગ સ્ટેશનને રિપેર કરવાની સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત જે વિસ્તારમાં પેઇંગ ગેસ્ટ આવેલા છે, ત્યાં આવનારા દિવસોમાં તવાઇ આવી શકે છે. કારણ કે પેઇંગ ગેસ્ટ તરીકેના મકાનોમાં પાણીના કનેક્શન કાયદેસરના છે કે કેમ તે ચેક કરવા સૂચના અપાઇ છે. કમિટીમાં એવી રજૂઆત હતી કે, કેટલાક PGમાં મોટા પાયે પાણીનો વપરાશ થાય છે. જેના કારણે આસપાસનાં મકાનોમાં પાણીના પ્રેશરની સમસ્યા સર્જાય છે. જેથી શહેરના પીજીનાં પાણીનાં કનેકશન કાયદેસર છે કે નહીં તે પણ ચેક કરવા સૂચના આપી દેવાઇ છે.(file photo)