અમદાવાદમાં દારૂ પી વાહન ચલાવનારા સામે ડ્રાઈવ, પોલીસ 250 પોઈન્ટ પર બ્રિથ એનલાઈઝરથી ચેક કરશે
અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ બેરોકટોક મળી રહ્યો છે.ઘણા વાહનચાલકો દારૂ પીને વાહન ચલાવતા હોવાથી અકસ્માતો પણ સર્જાતા હોય છે. ત્યારે દારૂડિયા વાહનચાલકો સામે અમદાવાદ પોલીસ કમિશનરના આદેશથી પોલીસે પાંચ દિવસ ડ્રાઈવનું આયોજન કર્યું છે. શહેરમાં પોલીસ 250 જેટલા પોઈન્ટ પર બ્રિથ એનલાઈઝરથી વાહનચાલકને ચેક કરશે. જો વાહનચાલક દારૂ પીધેલો જણાશે તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં હોળી-ધુળેટીના પર્વમાં ઘણા વાહનચાલકો દારૂ સહિતના કેફી પીણાંનો નશો કરીને વાહન ચલાવતા હોવાને કારણે અકસ્માતની શકયતા રહે છે. જો કે હોળી-ધુળેટીના પર્વ દરમિયાન અને પછીના પાંચ દિવસ સુધી નશો કરીને વાહન ચલાવનારાને પકડવા માટે પોલીસે ખાસ ડ્રન્ક એન્ડ ડ્રાઈવ રાખી છે. આ ડ્રાઈવ દરમિયાન કોરોના ગાઈડ લાઈનનું કડક પાલન કરવાનું હોવાથી પોલીસ વાહન ચાલકનું મોં નહીં સુંઘે. પરંતુ શહેરના એન્ટ્રી-એક્ઝિટ સહિતના 250 પોઈન્ટ પર 597 વાહનચાલકોને બ્રિથ એનલાઈઝરથી ચેક કરશે.
અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પાંચ દિવસ ડ્રન્ક એન્ડ ડ્રાઈવ યોજી છે. આ અંગે શહેરના તમામ પોલીસ સ્ટેશન, ટ્રાફિક પોલીસ સ્ટેશન, એપીસી, ડીસીપી, અધિક પોલીસ કમિશનર તેમજ સંયુક્ત પોલીસ કમિશરને લેખિતમાં જાણ કરી છે.
જો કે ડ્રન્ક એન્ડ ડ્રાઈવની આ ખાસ ડ્રાઈવ દરમિયાન કોરોના ગાઈડ લાઈનના કડક પાલન માટે પોલીસ કમિશનરે અધિકારીઓને કડક સૂચના આપી છે. જેથી કોઇપણ વાહન ચાલકે દારૂ પીધો છે કે નહીં તે ચેક કરવા માટે પોલીસ વાહન ચાલકનું મોં નહીં સૂંઘે, બ્રિથ એનલાઈઝરનો ઉપયોગ કરશે. જેના માટે શહેર પોલીસ પાસે 597 બ્રિથ એનલાઈઝર મશીન છે. જેમાં 297 ટ્રાફિક પોલીસના અને 300 લોકલ પોલીસના છે. ડ્રાઈવ દરમિયાન દરેક પોલીસ સ્ટેશને કરેલી કામગીરીની માહિતી કમિશનર કચેરી ખાતે મોકલી આપવાની રહેશે.