મુન્દ્રા-ગાંધીધામ હાઈવે પર વહેલી પરોઢે અકસ્માતગ્રસ્ત ટ્રક પાછળ ટ્રેલર અથડાતા ચાલકનું મોત
ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ટોલ વિભાગની બેદરકારીને લીધે વધુ એક અકસ્માત સર્જાયો હતો. મુન્દ્રા-ગાંધીધામ હાઈવે પર ટ્રક-ટ્રેલરને અકસ્માત સર્જાતા અકસ્માતગ્રસ્ત હાલતમાં હાઈવે પર હતો. ટોલ વિભાગે કોઈ સાઈન બોર્ડ કે આડશો મુકી નહતી. દરમિયાન વહેલી પરોઢે ટ્રેલર અકસ્માતગ્રસ્ત ટ્રક-ટ્રેલર સાથે અથડાતા ટ્રેલરના ચાલકનું મોત નિપજ્યુ હતુ.
મુન્દ્રા ગાંધીધામ ધોરીમાર્ગ ઉપર મંગળવારે વહેલી પરોઢે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ગાંધીધામ તરફ જતું ટ્રેલર અકસ્માત ગ્રસ્ત કન્ટેનર ટ્રેલર સાથે અથડાતા તેના ચાલકનું ગંભીર ઇજાઓના કારણે ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ બાદ ટ્રાફિક જામ થયો હતો. ઘટનાના પગલે પોલીસ દ્વારા ટ્રાફીક જામ ક્લિયર કરાવીને અકસ્માત અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટના પાછળ ટોલગેટ વિભાગની બેદરકારી બતાવાઈ રહી છે.કારણ કે અગાઉ થયેલા અકસ્માત સ્થળે દિશા સૂચન આડશો મુકાઈ ના હોવાથી ટ્રેલર માર્ગ વચ્ચે પડેલા અન્ય ટ્રેલર સાથે ટકરાઈ પડ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
આ અંગે પ્રાગપર પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને પ્રથમ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. અકસ્માતમાં ટ્રેલર ચાલકનું મૃત્યુ થયુ છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યુ છે. કે,વહેલી પરોઢે એક ટ્રક બ્રેક ડાઉન થઈ હતી,જેમાં પરોઢે એક કન્ટેનર ટ્રેલર અથડાઈ પડ્યું હતું. ધોરીમાર્ગ ઉપર વાહનો અકસ્માતનો ભોગ બનવા છતાં ઘટના સ્થળની આસપાસ કોઈ દિશા નિર્દેશ આપતા બોર્ડ કે આડસ જોવા મળ્યા ના હતા, આ અકસ્માત પણ તેના કારણે થયો હતો.