- નેશનલ હાઈવે ઉબડ ખાબડ બનતા અકસ્માતોના બનાવોમાં વધારો,
- ટ્રક પલટી ખાંતા સ્થાનિક લોકો દોડી આવ્યા,
- મોડાસા-શામળાજી હાઈવે પર હીટ એન્ડ રન, રાહદારીનું મોત
પાટણઃ રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ સાંતલપુર નેશનલ હાઈવે પર સર્જાયો હતો. સાંતલપુરના ઉબડ-ખાબડ નેશનલ હાઈવેએ વધુ એક વ્યક્તિનો ભોગ લીધો હતો. સાંતલપુર હાઈવે પર રોજુ પાસે હાઈવે પરના ખાડાને તારવવા જતા ટ્રકે પલટી મારી હતી. જેમાં ટ્રક ડ્રાઈવરનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજાઓ થઈ હતી. જ્યારે બીજો એક અકસ્માતનો બનાવ મોડાસા-શામળાજી હાઈવે પર સર્જાયો હતો. જેમાં કોઈ અજાણ્યા વાહને રાહદારીને ટક્કર મારતા રાહદારીનું મોત નિપજ્યું હતું.
પ્રથમ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, સાંતલપુર હાઈવે નંબર 27 પર વરસાદને કારણે ઠેર ઠેર ખાડા પડી ગયા છે. જેના લીધે અકસ્માતોના બનાવો પણ વધી રહ્યા છે. આ બિસ્માર હાઈવે પરથી પસાર થતી ટ્રકે પલટી મારી હતી. ટ્રકમાં ભુસાનો પાઉડર ભર્યો હતો અને ટ્રકે હાઈવે રોડ પર પલ્ટી મારતા સમગ્ર પાઉડર રોડ પર ફેલાઈ ગયો હતો. જો કે ઘટના બાદ સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ટ્રકના ચાલકનું મોત નિપજ્યુ હતું, જ્યારે ટ્રકની કેબીનમાં બેઠેલી એક વ્યક્તિને ઈજાઓ થઈ હતી.
બીજા અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, મોડાસા શામળાજી હાઈવે પર પણ વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. મોટી ઈસરોલ ગામ નજીક અકસ્માતની ઘટના બની હતી. જેમાં અજાણ્યા વાહન ચાલકે રાહદારીને ટક્કર મારી હતી અને રાહદારીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જો કે અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈ ટીંટોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. (File photo)