Site icon Revoi.in

ગાંધીનગરના મહુંન્દ્રા પાટીયા પાસે ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતાં ચાલકનું મોત, ચારને ઈજા

Social Share

ગાંધીનગરઃ જિલ્લાના હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં ઓવરટેક કરવા જતા ટ્રેલરની પાછળ કાર અથડાતા કારચાલકનું મોત નિપજ્યુ હતું. જ્યારે ચારને ઈજાઓ થઈ હતી. જિલ્લાનાં મહુંન્દ્રા પાટીયા પાસે  મોડી રાત્રે લગ્નનો પ્રસંગ માણીને ઘરે પરત ફરતી વેળાએ આઈ-10 કાર આગળ જતાં ટ્રેલરની પાછળ ઘુસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે ચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર ચાર લોકોને શરીરે ઈજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ચીલોડા પોલીસ મથકમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ચિલોડા પોલીસ સ્ટેશનના સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરના ડભોડા સાલુજીનાં મુવાડા ખાતે રહેતાં અશોકસિંહ રંગતસિંહ પરમાર પોતાના સંબંધીઓ ભવાનસિંહ કેસરીસિંહ પરમાર, હાર્દિકસિંહ અજયસિંહ પરમાર, વિજયસિંહ પરમાર અને કાકાના દીકરા અજયસિંહને તેની આઈ-10 કાર સાથે લઈને ડભોડા ગામથી લગ્ન પ્રસંગમાં વડવાસા પ્રાંતિજ ખાતે ગયા હતા. બાદમાં લગ્ન પ્રસંગ માણીને અશોકસિંહ ઉપરોક્ત સંબંધીઓ સાથે પરત આવવા માટે કારમાં નીકળ્યા હતા. ત્યારે રાત્રીના આશરે ત્રણ વાગ્યાના અરસામાં મહુંન્દ્રા પાટીયા પાસે ટ્રેલરની પાછળ કાર ઘૂસી ગઈ હતી. આ અકસ્માત થતાં કારમાં સવાર તમામ લોકોને શરીરે વધતી ઓછી ઈજાઓ થવા પામી હતી.

અકસ્માતના પગલે ઘટના સ્થળે દોડી આવેલા લોકોએ તમામ ઈજાગ્રસ્તોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપ્યા હતા. જ્યાં ચાલક અજયસિંહનું માથામાં ગંભીર ઈજાઓ થવાથી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે ભવાનસિંહને અમદાવાદ સિવિલ તેમજ અન્ય ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ચીલોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.