Site icon Revoi.in

ભારતમાં ડ્રાઈવર વિનાની કારને આવવાની મંજુરી નહીં અપાયઃ નીતિન ગડકરી

Social Share

નવી દિલ્હીઃ ડ્રાઇવરોની નોકરીની સુરક્ષા માટે ડ્રાઇવર વિનાની કાર ભારતમાં આવશે નહીં. તેમ એક કાર્યક્રમમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, હું ક્યારેય ડ્રાઇવર વિનાની કારને ભારતમાં આવવાની મંજૂરી આપીશ નહીં કારણ કે ઘણા ડ્રાઇવરો તેમની નોકરી ગુમાવશે અને હું એવું થવા નહીં દઉં.” IIM નાગપુર ખાતે આયોજિત ઝીરો માઇલ સંવાદ દરમિયાન દેશમાં માર્ગ સલામતીની ચિંતાઓને લઈને ચર્ચા કરી હતી.

ટેસ્લા ઇન્કના ભારતમાં આવવાના પ્રશ્ન પર ગડકરીએ કહ્યું કે, સરકાર અમેરિકન ઓટોમેકરનું ભારતમાં સ્વાગત કરવા માટે તૈયાર છે, પરંતુ ભારતમાં વેચાણ માટે ચીનમાં ઉત્પાદન સ્વીકારવામાં આવશે નહીં. તેમણે હાઇડ્રોજન ઇંધણ પર તેમના મંતવ્યો શેર કર્યા, જેમાં તેમણે કહ્યું કે સરકાર જાહેર માળખાકીય સુવિધાઓને સુધારવા માટે અદ્યતન તકનીકોને અપનાવવા માટે પ્રતિબદ્ધ છે. હાઈડ્રોજનને ભવિષ્યના ઈંધણ તરીકે વર્ણવતા ગડકરીએ કહ્યું હતું કે, “અમે જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવામાં મદદ કરવા માટે શ્રેષ્ઠ ટેક્નોલોજી લાવવાની દિશામાં કામ કરી રહ્યા છીએ.”

તાજેતરમાં, સંસદમાં ચાલી રહેલા શિયાળુ સત્ર દરમિયાન, ગડકરીએ સંસદમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મૂડી ખર્ચ 2013-14માં આશરે રૂ. 51,000 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 2,40,000 કરોડથી વધુ થઈ ગયો છે. માર્ગ મંત્રાલયની અંદાજપત્રીય ફાળવણી 2013-14માં અંદાજે રૂ. 31,130 કરોડથી વધીને 2023-24માં રૂ. 2,70,435 કરોડ થઈ ગઈ છે. દેશમાં સરકાર દ્વારા પરિવહન સેવામાં સુધારા કરવાની સાથે માર્ગોનું નિર્ણાણ કરવામાં આવી રહ્યું છે.