સુરેન્દ્રનગરઃ વઢવાણ અને જોરાવરનગર ટ્વિનસિટી તરીકે ઓળખાય છે. છેલ્લા વર્ષોમાં શહેરના વિકાસ સાથે વસતી અને વાહનોની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. તેના લીધે ટ્રાફિકની સમસ્યા પણ વિકટ બનતી જાય છે. જેમાં વઢવાણના ગણપતિ ફાટસર ચાર રસ્તા પર દિવસે દિવસે વાહનોની અવરજવર વધી રહી છે. ત્યારે આ રસ્તા પર ટ્રાફિક જામ સર્જાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થળે ટ્રાફિક નિયમોનું પાલન થાય તેવી લોકોની માંગ ઉઠી છે.
વઢવાણના ગણપતિ ફાટસર ચાર રસ્તાનો શહેરના મોટાભાગના વાહનચાલકો અવરજવર માટે ઉપયોગ કરી રહ્યાં છે. વઢવાણ ઘરશાળા, દૂધની ડેરી પુલ, ગણપતિ ફાટસર બાયપાસ રોડ તેમજ જોરાવરનગર તરફ આવતા જતા વાહનો આ ચાર રસ્તા ઉપર વારંવાર એકઠા થાય છે. પરિણામે એકબીજા વાહનો તેમજ નજીકમાં જ રેલવે ફાટક હોવાથી ટ્રાફિક જામ થઇ જાય છે. જેના કારણે અહીંથી પસાર થતા નાના મોટા વાહનો તેમજ ખાસ કરીને દર્દીઓને લઇને જતી 108 અને સરકારી દવાખાનાની એમ્બ્યુલન્સોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ આ રસ્તા પરથી શાળા, કોલેજ સહિતના અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓ પણ રિક્ષાઓ, બાઇકો સહિતના વાહનો પર અવરજવર કરે છે. પરંતુ મસમોટા વાહનોની અહીંયા ઉભા રહી જતાં અન્ય રસ્તા પરથી આવતા વાહનોને અકસ્માતનો ભય રહે છે. ચાર રસ્તા હોવાથી એક સાથે વાહનોનો જમેલો થઇ જાય છે. તેમાંય ફાટક હોવાના કારણે આ સમસ્યા વધુ વિકટ બની જાય છે.
વઢવાણના સ્થાનિક રહિશોના કહેવા મુજબ ગણપતિ ફાટસર ચાર રસ્તા પર પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન કરાવાતું નથી. કોઈ ટ્રાફિક પોલીસ જોવા મળતા નથી. બીજીબાજુ વાહનચાલકોમાં પણ ટ્રાફિક સેન્સ જોવા મળતી નથી. એટલે ટ્રાફિક જામના દ્રશ્યો રોજ જોવા મળી રહ્યા છે.