વાહન ચાલકોના ખિસ્સા હળવા થશેઃ 4 દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં લગભગ રૂ. 2.40નો વધારો
નવી દિલ્હી:. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એક દિવસના વિરામ બાદ શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો હતો. રાજધાની દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 80-80 પૈસાનો વધારો થયો છે, જેના કારણે અહીં પેટ્રોલ 97.81 રૂપિયા અને ડીઝલ 89.07 રૂપિયા થઈ ગયું છે. ઓઈલ કંપનીઓએ છેલ્લા ચાર દિવસમાં ત્રણ વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2.40 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. 137 દિવસની સ્થિરતા બાદ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાનું શરૂ કરી દીધું છે. મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 80 પૈસાથી વધુ વધીને 112.51 રૂપિયા અને 96.70 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે.
યુક્રેન પર રશિયાના હુમલાને કારણે વૈશ્વિક તેલ અને કુદરતી ગેસનો પુરવઠો ખોરવાઈ જવાની આશંકાથી તેલ અને કુદરતી ગેસના ભાવમાં ઉછાળો આવ્યો છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલ 13 વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. લંડન બ્રેન્ટ ક્રૂડ 0.23 ટકા વધીને 119.30 ડોલર પ્રતિ બેરલ અને યુએસ ક્રૂડ 0.08 ટકા વધીને 112.43 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે.
પેટ્રોલ અને ડીઝલની કિંમતોની દરરોજ સમીક્ષા કરવામાં આવે છે અને તેના આધારે દરરોજ સવારે 6 વાગ્યાથી નવી કિંમતો લાગુ કરવામાં આવે છે. આજે દેશના ચાર મુખ્ય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નીચે મુજબ હતા…
મહાનગર પેટ્રોલ ડીઝલ (રૂ. પ્રતિ લીટર)
દિલ્હી 97.81 89.07
કોલકાતા 107.18 92.22
મુંબઈ 112.51 96.70
ચેન્નાઈ 103.67 93.71
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ફરીથી ઈંધણના ભાવમાં વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવની સાથે એલપીજી સિલેન્ડર, સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો થયો છે. જેથી પ્રજાનું બજેટ ખોરવાયું છે.
(PHOTO-FILE)