ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો પાસેથી હવે સ્થળ પર જ ઓનલાઈન દંડ વસુલાશે
અમદાવાદઃ રાજ્યમાં ટ્રાફિકના નિયમોનું લાવન નહીં કરનારા વાહન ચાલકોને સ્થળ ઉપર ચલણ આપી તથા ઈ-મેમો આપીને દંડ વસુલવામાં આવે છે. તેમજ કેટલાક પોલીસ કર્મચારીઓ દંડની જગ્યાએ નાણા ઉઘરાવતા હોવાના આક્ષેપ કરવામાં આવે છે. જો કે, પોલીસે પીઓએસ મશીનો વસાવ્યાં છે. જેથી કોઈ પણ રસીદ અથવા ઈ-મેમોને બદલે વાહન ચાલકો પાસેથી ઓનલાઇન દંડ વસુલવામાં આવશે. સુરત, અમદાવાદ બાદ રાજકોટ, જામનગર અને ભાવનગર સહિતના મોટા પોલીસ હવે પીઓએસ મશીન મારફતે દંડ વસુલશે.
ટ્રાફિક ભંગના કેસોમાં પોલીસને ઓનલાઇન પેમેન્ટ માટેની સુવિધા કરી આપવામાં આવી છે. પહેલાં આવો પ્રયોગ સુરતમાં કરવામાં આવ્યો છે અને હવે અમદાવાદમાં પણ આવો પ્રયોગ શરૂ થયો છે. આ પદ્ધતિ સફળ થશે તો રાજ્યના બીજા મોટા શહેરોમાં પણ આ પ્રયોગ શરૂ કરવા રાજ્ય પોલીસ વડાએ આદેશ આપ્યો છે. ટ્રાફિક પોલીસ વાહનચાલકો પાસેથી ટ્રાફિક ભંગના ગુના બદલ રોકડ રકમ લઇ શકશે નહીં. ટ્રાફિક પોલીસમાં પારદર્શિતા આવી રહી છે.
ટ્રાફિક પોલીસ કાર્ડ દ્વારા, યુપીઆઇ, ક્યુઆર કોડ અને ભીમ એપ્લિકેશનની મદદથી વાહનચાલકોને સ્થળ પર દંડ ભરાવશે. અમદાવાદ માટે પ્રાથમિક તબક્કે 300 મશીન લેવામાં આવશે. આ મશીનમાંથી દંડ વસૂલવા બદલ વાહનચાલકને રસીદ પણ આપવામાં આવશે. આ મશીનની બીજી ખાસિયત એવી છે કે દંડ વસૂલ કરવામાં કોઇ વાહનચાલક આનાકાની કરશે તો તેનો ફોટો અને વિડીયો પણ ઉતારી શકાશે. હવે ટ્રાફિક પોલીસ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો પાસેથી સ્થળ ઉપર ઓનલાઈન દંડની વસુલાત કરશે.