અમદાવાદમાં ટ્રાફિક ભંગ કરનારા વાહન ચાલકો ઈ-મેમોને પણ ગણકારતા નથી, 90 ટકા લોકો દંડ ભરતા નથી
અમદાવાદઃ શહેરમાં વાહનોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. સાથે જ ટ્રાફિક ભંગના ગુનાઓ પણ વધી રહ્યા છે. શહેરના મોટાભાગના ચાર રસ્તાઓ પર સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે. અને જેમાં બેરોકટોક ટ્રાફિક ભંગ કરતા વાહનચાલકોને દંડનો ઈ-મેમો મોકલવામાં આવે છે. પરંતુ ઈ-મેમો મળ્યા છતાં ઘણા વાહનચાલકો કે વાહનના માલિકો દંડ ભરતા નથી.
અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમનું પાલન કરાવવા માટે નાગરિકો પાસેથી પોલીસે અલગ પ્રકારે દંડ વસૂલવાનું શરૂ કર્યું છે. એક સમયે સ્થળ પર જ રોકડ રકમનો દંડ વસૂલવામાં આવતો હતો. છેલ્લાં બે વર્ષમાં કોરોનાનો સમય હોવા છતાં પણ 42 કરોડ રૂપિયાનો રોકડમાં દંડ વસૂલવામાં આવ્યો છે. એ ઉપરાંત CCTVથી ઇ-મેમો મોકલીને દંડ વસૂલવાની પદ્ધતિમાં લોકોએ દંડ ભરવાનું માંડી વાળ્યું છે. છેલ્લાં બે વર્ષમાં 11 લાખ લોકોને ઈ-મેમો મોકલવામાં આવ્યા છે, એમાંથી 90 ટકા લોકોએ દંડની રકમ નથી ભરી. જેથી લોકો પાસેથી ઈ-મેમોની દંડની રકમના 65 કરોડ રૂપિયા વસૂલવાના બાકી છે. સૌથી મોટી વાત એ છે કે અમદાવાદ શહેરની 65 લાખની વસતિમાંથી 17 ટકા વસતિને ઈ-મેમો મોકલવામાં આવ્યા છે, એટલે કે 15 ટકા લોકો સતત ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે.
દંડની વસૂલાત કરવા માટે આખરે ટ્રાફિક-પોલીસે ખાસ દંડ વસૂલાત સ્કવોડ કાર્યરત કરવી પડી છે. શહેરમાં ટ્રાફિક નિયમ ભંગ કરતા વાહનચાલકો પાસેથી દંડ વસૂલાત માટે પોલીસ રસ્તા ઉપર ઊભી રહીને રોકડ દંડ વસૂલીને હાથેથી પહોંચ લખીને આપતી હતી. હવે સ્થળ પર ઊભાં ઊભાં જ ઓનલાઈન દંડ વસૂલાત કામગીરી માટે POS મશીન કાર્યરત કરવામાં આવ્યાં છે. દંડ વસૂલાતમાં આધુનિક થવામાં પોલીસને થોડો વધુ સમય લાગ્યો, એ દરમિયાન સીસીટીવીથી ઈ-મેમો મોકલવાની પદ્ધતિ અમલમાં હતી. ઈ-ચલણ મોકલવાની પદ્ધતિમાં પોલીસે જાણે લાખના બાર હજાર કરવા હોય એમ ઈ-ચલણ મોકલાયાં, એમાંથી માંડ 10 ટકા જ દંડની વસૂલાત થઈ શકી છે.
કોરોનાના સમયગાળામાં વર્ષ 2020થી જુલાઈ 2021 દરમિયાન નિયમભંગ કરનાર વાહનચાલકોને કુલ 11 લાખ 07 હજાર 235 ઈ-ચલણ અપાયાં હતાં. આમાંથી માંડ 10 ટકા એટલે કે 1.29 લાખ લોકોએ ઈ-ચલણના દંડની રકમ ભરપાઈ કરી છે. હજુ પણ 9.77 લાખ લોકોએ 64 કરોડ 88 લાખ રૂપિયાનો દંડ ભરપાઈ કરવાનો બાકી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ માટે ઈ-ચલણ કરતાં હાજર દંડ વધુ આશીર્વાદરૂપ છે. વર્ષ 2020થી જુલાઈ-2021 સુધીમાં અમદાવાદ શહેરમાં કુલ 8.24 લાખ નાગરિકો પાસેથી સ્થળ પર જ 42.26 કરોડ રૂપિયાનો હાજર દંડ વસૂલવામાં આવ્યો હતો.