અમદાવાદઃ રાજ્યભરની આરટીઓ કચેરીઓના ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકને સર્વરમાં ખામી સર્જાતા બંધ કરાયા હતા. તેના લીધે લાયસન્સ માટે આવતા અરજદારોને ભારે મુશ્કેલી પડતી હતા. અને નવા પાકા લાયસન્સ આપવાનું કામ બંધ પડ્યું હતું. ઘણાબધા અરજદારો આરટીઓ કચેરીનો ધક્કો ખાઈને નિરાશ થઈ પરત ફરતા હતા. 12 દિવસ બાદ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકના સર્વરમાં સર્જાયેલી ખામીને દુર કરતા રાજ્યભરની તમામ આરટીઓ કચેરીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ કરી દેવામાં આવ્યા છે. હવે અરજદારોને ઓનલાઈન ડ્રાઈવિંગ ટેસ્ટ માટેની તારીખ પણ મળી જશે.
ગુજરાતમાં આરટીઓ કચેરીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક માટેનું સર્વર છેલ્લા 12 દિવસથી બંધ હતું. જે 28 માર્ચથી પુનઃ કાર્યરત થતા ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવતા અરજદારોની મુશ્કેલીનો અંત આવ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના જિલ્લાઓની આરટીઓ કચેરીઓમાં ગુરૂવારે અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે પહોંચ્યા હતાં. અમદાવાદ શહેરની RTO કચેરી દ્વારા દરરોજ લેવામાં આવતી અરજીઓમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં પહેલા 350 જેટલી અરજીઓ લેવામાં આવતી હતી, જેમાં 100 અરજીનો ઉમેરો કરી પેન્ડીંગ કામને સરભર કરી દેવામાં આવશે
આરટીઓ કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 6થી 7 વર્ષથી ટેસ્ટ ટ્રેક માટે એક જ સર્વર કાર્યરત હોવાથી તેને અપડેટ કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી. જેથી તમામ આરટીઓ કચેરીઓમાં ટેસ્ટ ટ્રેકનું સર્વર છેલ્લા 12 દિવસથી બંધ કરાયું હતુ. જે ગુરૂવારથી ફરી કાર્યરત થયું છે. સામાન્ય દિવસોમાં દરરોજ 350થી વધુ અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા અમદાવાદ આરટીઓ કચેરી ખાતે પહોંચતા હોય છે. અમદાવાદ આરટીઓ કચેરીમાં ગત 15 માર્ચથી ટ્રેકનું સર્વર ઠપ હતું. દરરોજ 200થી વધુ ટૂ-વ્હીલર અને 175થી વધુ ફોર-વ્હીલરની ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે અરજદારોની અરજી આવતી હતી. હવે ફરીથી ટેસ્ટ ટ્રેક શરૂ થતા અરજદારોએ હાશકારો અનુભવ્યો છે. આરટીઓ કચેરી દ્વારા દરરોજની 100 જેટલી વધુ અરજી લેવામાં આવશે. આગામી 15 દિવસમાં સંપૂર્ણ ટેસ્ટ ટ્રેકમાં જે પેન્ડીંગ કામ બાકી છે, તે સરભર કરી દેવામાં આવશે.