Site icon Revoi.in

ભાવનગરમાં વાદળછાયાં વાતાવરણમાં ઝરમરીયો વરસાદ, મેઘો મન મુકીને વરસતો નથી

Social Share

ભાવનગરઃ સૌરાષ્ટ્રમાં ગોહિલવાડ પંથકમાં હજુ જોઈએ તેટલો વરસાદ પડ્યો નથી. છેલ્લા ચાર દિવસથી આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયેલા છે. અને કેટલાક વિસ્તારમાં સમયાંતરે ઝરમરિયો વરસાદ પડી રહ્યો છે. પણ મેઘો મન મુકીને વરસતો નથી.

ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો છે, છેલ્લા ત્રણ-ચાર દિવસથી એકપણ તાલુકામાં જોઈએ તેવો વરસાદ નોંધાયો નથી, માત્ર ઝરમર વરસાદ વરસે છે, આમ તો છેલ્લા ચાર દિવસ કરતાં વધુ સમયથી માત્ર ઘનઘોર વાદળો છવાયેલા રહે છે પરંતુ મેઘો મનમૂકીને વરસતો નથી ત્યારે આજે રવિવારે  પણ આખો દિવસ આકાશ ઘટાટોપ વાદળોથી છવાયેલું રહ્યુ હતું. ખેડુતોએ પ્રથમ વરસાદ બાદ વાવાણી કાર્ય પૂર્ણ કરી દીધુ છે. હવે વરસાદની રાહ જોવાય રહી છે. જો કે ઉપરવાસમાં વરસાદને લીધે શેત્રંજી ડેમમાં નવા નીરની થોડી આવક થઈ છે.

ગોહિલવાડ પંથકમાં ભારે કે અતિ ભારે વરસાદ ન વરસતા જિલ્લામાં આજ સુધીમાં કુલ વરસાદ 52.56 ટકા થયો છે. જિલ્લામાં કુલ વાર્ષિક વરસાદ 624 મી.મી. છે તેની સામે આજ સુધીમાં 328 મી.મી. એટલે કે 52.56 ટકા વરસાદ વરસી ગયો છે. ભાવનગર જિલ્લામાં ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ વરસાદ ગારિયાધાર તાલુકામાં 83.66 ટકા વરસાદ થઇ ગયો છે. જ્યારે ટકાવારીની દ્રષ્ટિએ સૌથી ઓછો વરસાદ ઘોઘામાં માત્ર 35.68 ટકા જ થયો છે. શુક્રવારે જિલ્લામાં તળાજા, વલભીપુર અને ઘોઘામાં હળવા ઝાપટા વરસ્યા હતા. ભાવનગર જિલ્લામાં કુલ વાર્ષિક વરસાદ 624 મી.મી. છે. તેની સામે આજ સુધીમાં 328 મી.મી. જ વરસાદ વરસ્યો છે. જ્યારે તેની સામે સમગ્ર સૌરાષ્ટ્રમાં આજ સુધીમાં કુલ વરસાદના 73.57 ટકા વરસાદ વરસી ગયો છે.  ગુજરાત રાજ્યમાં પણ 54.46 ટકા વરસાદ વરસી ગયો છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં ક્યાંય ધોધમાર વ્યાપક વરસાદ વરસ્યો નથી. જ્યારે તેની તુલનામાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક જિલ્લામાં અનરાધાર મેઘમહેર વરસી છે. શુક્રવારે ભાવનગર જિલ્લામાં તળાજામાં 4 મી.મી., વલભીપુરમાં 2 મી.મી. અને ઘોઘામાં 1 મી.મી. વરસાદ વરસ્યો હતો.