યુક્રેન અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન મોસ્કોમાં ડ્રોન હુમલો, બે ઈમારતનોને નુકશાન
મોસ્કો: રશિયાએ સવારે થયેલા ડ્રોન હુમલા માટે યુક્રેનને જવાબદાર ઠેરવ્યું હતું જેમાં મોસ્કોની બે ઇમારતોને નુકસાન થયું હતું. રશિયન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, બે ડ્રોન ક્રેશ થયા જેમાં કોઈ જાનહાનિ થઈ નથી. રશિયાની સત્તાવાર સમાચાર એજન્સી TASS એ અહેવાલ આપ્યો છે કે, એક ડ્રોન સંરક્ષણ મંત્રાલયની નજીક પડ્યું હતું. યુક્રેનિયન સત્તાવાળાઓએ હજુ સુધી ટિપ્પણી કરી નથી. જોકે, યુક્રેને ક્યારેય રશિયાની અંદર થયેલા હુમલાની જવાબદારી સ્વીકારી નથી. મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને જણાવ્યું હતું કે ડ્રોન હુમલામાં સ્થાનિક સમય અનુસાર લગભગ 04:00 વાગ્યે ‘બિન-રહેણાંક‘ ઇમારતોને નિશાન બનાવવામાં આવી હતી.
તેમણે ઉમેર્યું હતું કે, ઈમારતોને કોઈ મોટું નુકસાન થયું નથી. સંરક્ષણ મંત્રાલયની ઇમારતોથી માત્ર 2 કિમી દૂર કેટલાક ડ્રોનના ટુકડા મળી આવ્યા છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે ટેલિગ્રામ પર પોસ્ટ કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “કિવ શાસન દ્વારા મોસ્કો શહેર પર બે ડ્રોનનો ઉપયોગ કરીને આતંકવાદી હુમલો કરવાનો પ્રયાસ નિષ્ફળ કરવામાં આવ્યો હતો.” રિપોર્ટ અનુસાર શહેરના કોમસોમોલ્સ્કી એવન્યુ પાસે ડ્રોનનો કાટમાળ પણ મળી આવ્યો હતો.
મોસ્કોએ યુક્રેન પર તાજેતરના મહિનાઓમાં તેના પ્રદેશ પર અનેક ડ્રોન હુમલાનો આરોપ લગાવ્યો છે. આ મહિનાની શરૂઆતમાં, રશિયાએ કહ્યું હતું કે યુક્રેને મોસ્કો પર ડ્રોન હુમલો કર્યો હતો જેના કારણે ફ્લાઇટ્સને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.
અગાઉ, રશિયન સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “રશિયન સૈન્યએ યુક્રેનિયન શહેર ઓડેસા નજીક ડ્રોન બોટના નિર્માણ અને તૈયારી કરતી સુવિધાઓ પર રાતોરાત મિસાઇલ હુમલો કર્યો.” નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ગઈ રાત્રે, રશિયન સશસ્ત્ર દળોએ માનવરહિત બોટનો ઉપયોગ કરીને રશિયા સામે હુમલાની તૈયારીઓ કરવામાં આવી રહી હતી તે સુવિધાઓ પર લાંબા અંતરની મિસાઈલો સાથે જૂથ હુમલો કર્યો.” ઝિન્હુઆ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે અસરગ્રસ્ત સુવિધાઓ પર વિદેશી ભાડૂતીઓને જોવામાં આવ્યા હતા.