ગુજરાતમાં વિદ્યાર્થીઓને ડ્રોન પાયલોટ ટ્રેનિંગ – ડ્રોન તાલીમ લગભગ 50 ITIમાં મળે તેવુ આયોજનઃ સીએમ ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ કોન્ફરન્સ ઓન ડ્રોન ટેકનોલોજીનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા સ્પષ્ટ પણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા દર્શનમાં ગુજરાતે દરેક ક્ષેત્રે ટોપ પર રહેવાનો અને આગળ વધવાનો સફળ પ્રયાસ હંમેશા કર્યો છે. પીએમએ વિજ્ઞાન અને ટેકનોલોજીનો લાભ છેવાડાના અને સામાન્ય માનવીને ઉપલબ્ધ થાય તે માટે આહવાન કર્યું છે તેને ગુજરાત ઝિલી લેવા સજ્જ છે. એટલું જ નહીં સમયાનુકૂળ ટેકનોલોજીના માધ્યમથી યુવાનોને રોજગારી મળે, સ્કીલીંગની નવી તકો મળે તેવા અભ્યાસક્રમો, વ્યવસાયલક્ષી શિક્ષણને પણ રાજ્ય સરકાર પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે. ડ્રોન પાયલોટ ટ્રેનિંગ – ડ્રોન તાલીમ રાજ્યની 50 જેટલી આઈ.ટી.આઈ માં મળી શકે તેવી વ્યવસ્થા કરી છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટીના ઉપક્રમે આયોજિત નેશનલ કોન્ફરન્સ ઓન ડ્રોન ટેકનોલોજીનો પ્રારંભ તેમજ ડ્રોન મંત્રા લેબના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કર્યું હતું. તેમણે ઉમેર્યું કે, ડ્રોન ટેકનોલોજી એવું વિકસી રહેલું ક્ષેત્ર છે જેમાં વિપુલ સંભાવનાઓ પડેલી છે. રાજ્ય સરકારે તેને પ્રોત્સાહન આપવા કૌશલ્યા યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ડ્રોન મારફતે વિવિધ તાલીમ પણ શરૂ કરવાનું આયોજન કર્યું છે. આ માટે ડ્રોન પાયલોટ ટ્રેનિંગ – ડ્રોન તાલીમ રાજ્યની 50 જેટલી આઈ.ટી.આઈ માં મળી શકે તેવી વ્યવસ્થા કરી છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ડ્રોન ટેકનોલોજીનો વ્યાપ ખેતર થી લઈને ખેલના મેદાન સુધી અને જરૂરિયાતના સમયે આપાતકાલીન વેળાએ લાઈફ સેવિંગ સુધી વડાપ્રધાનના દિશા દર્શનમાં વિસ્તર્યો છે.
તેમણે કહ્યું કે, એક સમય હતો કે વિશ્વમાં કોઈ ટેકનોલોજી કે નવીન સંશોધન થાય તે ભારતમાં લાંબા સમય પછી આવતા હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજ્ઞાન ટેકનોલોજી માં એવી સજ્જતા દેશમાં કેળવી છે કે તરત જ અદ્યતન ટેકનોલોજી આપણે ત્યાં પણ વિદેશો સાથે જ આવી જાય છે. ભૂપેન્દ્ર પટેલે કોરોના કાળમાં ભારતે વિકસાવેલી સ્વદેશી વેકસીનનો આ સંદર્ભમાં વિશેષ ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ડ્રોન દૂર-દરાજના વિસ્તારોમાં સેવાઓની ડોર સ્ટેપ ડિલિવરીનું માધ્યમ બન્યું છે.
ટુરિઝમ, ડિઝાસ્ટર, મીડિયા સહિત સર્વેલન્સ અને રિસર્ચના ક્ષેત્રે પણ ડ્રોન ટેકનોલોજીના ઉપયોગની વિશાળ તકો છે. તેમણે કહ્યું કે, ખેડૂતના ખેતરમાં દવા છંટકાવ માટે ડ્રોનનો ઉપયોગ કરવાની પહેલ પણ ગુજરાતી કરી છે. ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના સચીવ અતુલકુમાર તિવારીએ જણાવ્યું હતું કે, 2030 સુધી ભારતને ગ્લોબલ ડ્રોન હબ બનાવવા માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે. ગુજરાત હંમેશાથી અગ્રગણ્ય રાજ્ય રહ્યું છે. કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સીટીથી ડ્રોન ક્ષેત્રે અભૂતપૂર્વ કામ થશે. જેના થકી બીજા રાજ્યોમાં પણ અમે ડ્રોન ક્ષેત્રને વિકસાવવા અને ડ્રોન પોલિસી લાવવામાં મદદરૂપ થશે.