- જમ્મુ એરબેઝ પર ડ્રોન એટેકની ઘટના
- હવે ઇસ્લામાબાદમાં ભારતીય દૂતાવાસમાં જોવા મળ્યું ડ્રોન
- ભારતે સયુંકત રાષ્ટ્રમાં આપી ચેતવણી
શ્રીનગર :જમ્મુમાં ડ્રોન દ્વારા આતંકી હુમલો કરવાનું કાવતરું સામે આવ્યા બાદ હવે પાકિસ્તાનના ઇસ્લામાબાદ સ્થિત ભારતીય દૂતાવાસમાં એક ડ્રોન જોવા મળ્યું છે. ભારતે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને પાકિસ્તાન સરકાર સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. અને ઇસ્લામાબાદ સમક્ષ તેની કડક નિંદા કરી છે. વિદેશ મંત્રાલય પણ આજે સાંજે પાંચ વાગ્યે આ મુદ્દે પાકિસ્તાન વિરુદ્ધ નિવેદન જારી કરશે. સૂત્રોએ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને ટાંકીને જણાવ્યું છે કે ડ્રોન ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.
રવિવારે જમ્મુના એરબેઝ પર ડ્રોન હુમલો થયો હતો. ડ્રોન બ્લાસ્ટમાં એરબેઝને નુકસાન થયું હતું. આતંકીઓ હુમલા માટે સતત ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે. એરબેઝ પર હુમલો થયાના બીજા જ દિવસે આતંકવાદીઓએ પણ ડ્રોન વડે સૈન્ય સ્ટેશન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જમ્મુના કાલુચક સ્ટેશન પર સવારે ૩ વાગ્યે ડ્રોન જોવા મળ્યા હતા.
ભારતે આ મામલો આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવ્યો હતો અને સંયુક્ત રાષ્ટ્રમાં વાત કરી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે ચેતવણી આપી હતી કે આતંકીઓ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરવો એ ખૂબ ચિંતાનો વિષય છે. જો આ મામલે કંઇ કરવામાં નહીં આવે તો આતંકવાદ સામેની લડત જીતવી મુશ્કેલ થઈ શકે છે.