Site icon Revoi.in

ખનીજચોરી પકડવા ડ્રોનનો ઉપયોગ, ડીસાના કૂંપટ ગામે રેતીની ચોરી કરતા 6 વાહનો પકડાયા

Social Share

ડીસાઃ  બનાસકાંઠામાં ખનીજચોરી બેફામપણે થતી હોવાની અનેક ફરિયાદો ઉઠતી હોય છે. ખનીજ માફિયાઓ રાજકિય વગ ધરાવતા અને માથાભારે હોવાથી તેમને પકડવાનો એક પડકાર હોય છે. ભૂસ્તર વિભાગ દ્વારા ખનીજ ચોરોને પકડવા જાય તે પહેલા જ ખનીજચોરો પલાયન થઈ જતાં હતા. આખરે ભૂસ્તર વિભાગના અધિકારીઓએ ખનીજચોરી પકડાવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું નક્કી કર્યાબાદ ડીસાના કૂંપટ ગામે રેતીની ચોરી અટકાવવા ડ્રોનનો ઉપયોગ કર્યો હતો જેમાં રેતીની ચોરી કરી રહેલા કેટલાક ટ્રેકટરો અને ડમ્પરો જોવા મળ્યા હતા. આથી અધિકારીઓએ પોલીસ સાથે કૂંપટ ગામની નદીમાં ધસી જઈને રેતી ભરેલા અડધો ડઝન વાહનો જપ્ત કર્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગની ટીમ વહેલી સવારે બાતમીના આધારે ખાનગી વાહનમાં બેસી કૂંપટ ગામ પાસે પહોંચી હતી અને બનાસ નદીના પટમાં આકસ્મિક ડ્રોન સર્વેલન્સની મદદથી ચેકિંગ હાથ ધરતા નદીના પટમાં બિન અધિકૃત રીતે ચાલતા એક હિટાચી મશીન, બે સાદી રેતી ભરેલા ડમ્પર, બે ટ્રેક્ટર અને ચાર ખાલી ડમ્પર મળી કુલ નવ વાહનો કબ્જે કર્યા હતા. રૂ 1.60 કરોડનો મુદ્દામાલ કબ્જે લઈ રૂ.10 લાખનો દંડ વસુલ કરવા કાર્યવાહી હાથ ધરી હતી. ભૂસ્તર વિભાગની ઓચિંતી રેડને લઈને ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આ બાબતે ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોષીએ જણાવ્યું હતું કે, ખનીજ ચોરી કરતા તત્વો સરકારી વાહનની રેકી રાખતા હોય છે. સાથે વાહન જ્યારે નદીમાં ઉતરે ત્યારે પણ વોચ રાખતા હોય છે. જેથી અમોએ હવે ડ્રોન સર્વેલન્સનો ઉપયોગ કરી ખનીજ ચોરી ઝડપવામાં સફળતા મળી રહી છે. એકમાસ આગાઉ નાની આખોલ ગામે પણ ડ્રોનની મદદથી ખનીજ ચોરી ઝડપી હતી.