પાલનપુરઃ ગુજરાતમાં રેતી-કપચી અને માટીનું ખનન બેરોકટોક થઈ રહ્યું છે. ખનીજ માફિયા કોઈને ય ગાંઠતા નથી. પોલીસ અને ખાણ-ખનીજ વિભાગ દ્વારા સમયાંતરે દરોડા પાડવામાં આવતા હોય છે. ત્યારબાદ પણ ખનનનું કામ અટકતું નથી. હવે ખાણ ખનીજ વિભાગે ખનીજની ચોરી અને ખનનને પકડી પાડવા માટે આધૂનિક ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. જેમાં ડ્રોનની મદદથી ક્યાં ખનનની પ્રવૃતિ ચાલી રહી છે. તેની જાણકારી મેળવીને ત્વરિત દરોડા પાડવામાં આવી રહ્યા છે. જેમાં ડ્રોનથી જાણકારી મેળવ્યા બાદ ડીસાના નાની આખોલ ગામ નજીક બનાસ નદીના પટ્ટમાં બિન અધિકૃત રીતે ચાલતા એક ટાટા હિટાચી મશીન, એક સાદી રેતી ભરેલું ડમ્પર તેમજ એક ટ્રેક્ટરને ઝડપી પાડ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ ભુસ્તરશાસ્ત્રીની ટીમ દ્વારા જિલ્લામાં અવાર નવાર ખનીજ ચોરી રોકવા અવનવા ઉપાયો હાથ ધરવામાં આવે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રી સુભાષ જોષીના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા તા.1/5/2022 ના રોજ ફરી એક નવો પ્રયાસ હાથ ધરી ડ્રોન સર્વેલન્સથી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યુ હતું. આ દરમિયાન ડીસા તાલુકાના નાની આખોલ બનાસ નદી પટ્ટમાં બિન અધિકૃત રીતે ચાલતા એક ટાટા હિટાચી મશીન, એક સાદી રેતી ભરેલું ડમ્પર તેમજ એક ટ્રેક્ટરને ઝડપી પાડ્યું હતું. ખનીજ વિભાગની ટીમે કુલ 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની દંડકીય કાર્યવાહી હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ભૂસ્તરશાસ્ત્રીની ટીમ દ્વારા વહેલી સવારે ખાનગી વાહનમાં ચેકીંગ હાથ ધરીને ડીસા ધાનેરા રોડ ઉપરથી કુલ 6 ડમ્પર ઝડપી પાડીને 11.50 લાખની દંડનીય વસુલાતની કાર્યવાહી કરવામાં આવી હતી. ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા આવી અવિરત કાર્યવાહીના પરિણામે ગત વર્ષ ખનિજ ચોરીના કુલ 486 કેસ પકડીને રૂ. 659.83 લાખની માતબર રકમની દંડની વસૂલાત કરવામાં આવી હતી.