મધ્યપ્રદેશના મુખ્ય શહેરોમાં ડ્રોનની મદદથી ટ્રાફિક નિયમનનું મોનિટરિંગ કરાશે
ભોપાલઃ મધ્યપ્રદેશમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવાના પ્રયાસો ચાલુ છે. હવે રાજ્યમાં ભીડભાડવાળા બજારોમાં ટ્રાફિક વ્યવસ્થા પર નજર રાખવા માટે ડ્રોનની મદદ લેવામાં આવશે. આ સિસ્ટમને વધુ સારી રીતે ચલાવવા માટે રાજ્યમાં તાલીમની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મધ્ય પ્રદેશના ગૃહ પ્રધાન ડૉ. નરોત્તમ મિશ્રાએ જણાવ્યું હતું કે, શહેરોના મુખ્ય માર્ગો અને ભીડભાડવાળા વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા પર નજર રાખવા માટે ડ્રોનની મદદ લેવામાં આવશે. ડ્રોન ઉડાવવાની તાલીમ આપવા માટે રાજ્યમાં પાંચ ડ્રોન સ્કૂલો પણ ખોલવામાં આવી રહી છે.
રાજધાની ભોપાલમાં એક મહિલાનો જીવ બચાવવા માટે લગભગ 11 કિમીનો ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. આ દરમિયાન ટ્રાફિકમાં કોઈ અવરોધ ન આવે તે માટે ડ્રોન વડે મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશમાં ઝડપથી ઈન્ડિયન મોટર વ્હીકલ અમેન્ડમેન્ટ એક્સ લાગુ કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ટૂંક સમયમાં જ મધ્યપ્રદેશમાં ભારતીય મોટર વ્હીકલ એમેન્ડમેન્ટ એક્ટ-2019 લાગુ થવા જઈ રહ્યો છે. તાજેતરમાં જ ટ્રાન્સપોર્ટ કમિશનર મુકેશ જૈને જબલપુર હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરતાં જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં પરમિટ વિના ચાલતી ઓટો રિક્ષાઓને જપ્ત કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નવા કાયદામાં ટ્રાફિક નિયમોને લઈને ઘણી કડક જોગવાઈઓ છે. બિલમાં એવી જોગવાઈ છે કે જો કોઈ સગીર વાહન ચલાવતી વખતે અકસ્માત સર્જશે તો તેના માતા-પિતાને 3 વર્ષની જેલ થશે. આ ઉપરાંત વાહનનું રજીસ્ટ્રેશન પણ રદ કરવામાં આવશે.