અમદાવાદઃ ગુજરાતમાં બે દાયકામાં અંતરિયાળ વિસ્તારો સુધી પાણી, વીજળી, આરોગ્ય, શિક્ષણ, આવાસ જેવી પાયાની સુવિધાઓ પહોચાડીને સરકારે છેવાડાના માનવીને વિકાસની મુખ્યધારામાં સામેલ કર્યા છે. તેને પરિણામે ગુજરાત સર્વગ્રાહી વિકાસનું આગવું મોડલ બન્યું છે. આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી છે, ડ્રોપ આઉટ રેશિયો 48 ટકાથી ઘટીને 4 ટકા ઉપર પહોંચ્યો છે, તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીથી રાજ્યની જનતાને વીજઉર્જાના 15 પ્રકલ્પો સમર્પિત કર્યા હતા, કુલ રૂ. 134 કરોડનાં વિવિધ વિકાસકાર્યોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ તેમણે કર્યા હતા.
મુખ્યમંત્રીએ 66 કે.વી.ના 12 સબસ્ટેશન અને 220 કે.વી.નું 1 સ્ટેશન એમ કુલ 13 વીજ સ્ટેશનના લોકાર્પણ તેમજ 66 કે.વી.ના 2 સબસ્ટેશનના ખાતમુહૂર્ત કર્યા હતા. આ ઉપરાંત સમી પેટા વિભાગીય કચેરી અને પાટડીની સુરજમલજી હાઇસ્કુલના નવનિર્મિત ભવનના લોકાર્પણ કર્યા હતાં. આ પ્રસંગે તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતના ગામડાઓના અંધારા સરકારે જ્યોતિ ગ્રામ યોજનાથી ઉલેચ્યા છે, સરકારે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અવિરત વીજળી અને ગામમાં જ અદ્યતન આરોગ્ય સેવાઓ આપીને સૌના જીવનમાં પ્રકાશ પાથર્યો છે. મુખ્યમંત્રીએ શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા જેવી મૂળભૂત બાબતો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરીને સૌનો વિકાસ કરવાની નેમ વ્યક્ત કરી હતી.
શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે મેળવેલી સિદ્ધિઓ અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, એક સમયે રાજ્યનો ડ્રોપ આઉટ રેશિયો 38 ટકા હતો જે ઘટીને 4 ટકા સુધી પહોંડ્યો છે. ગુજરાતમાં ઘર આંગણે ઉચ્ચ શિક્ષણની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. અગરીયા અને વિચરતી જાતિના બાળકોના શિક્ષણ માટે ખાસ વ્યવસ્થા કરીને આ સમુદાયને સમાજના મુખ્યપ્રવાહમાં જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.