Site icon Revoi.in

સુરતના પલસાણામાં ડ્રગ્સની ફેકટરી પકડાઈ, 51 કરોડના મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો

Social Share

સુરતઃ ગુજરાતમાં ડ્રગ્સનું દુષણ વધતું જાય છે. રોજબરોજ ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. ત્યારે ગુજરાત ATSએ સુરતના ગ્રામ્ય વિસ્તાર પલસાણામાં રેડ કરીને ડ્રગ્સની ફેકટરી પકડી પાડી છે, અને 51 કરોડ રૂપિયાનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે.  પલસાણા વિસ્તારના એસ્ટેટના શેડમાં છેલ્લા એક મહિનાથી મેફેડ્રોનનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવતું હતું. ઘટ અને લિક્વિડ ફોર્મમાં મેફેડ્રોન સાથે 3 આરોપીની ATSએ ધરપકડ કરી છે. આરોપીઓએ એક મહિનામાં 4 કિલો મેફેડ્રોન બનાવીને વેચ્યું હતું.

ગુજરાત એટીએસના સૂત્રોના જણાવ્યા મુજબ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં દર્શન ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં પતરાંના શેડમાં ચાલતી ફેકટરીમાં ATSની ટીમે  રેડ કરી હતી. આ રેડ દરમિયાન શેડમાંથી 4 કિલો મેફેડ્રોન અને 31.409 કિલો લિક્વિડ મેફેડ્રોનનો જથ્થો જપ્ત કર્યો હતો. ATSએ 51.409 કરોડના મેફેડ્રોન સાથે સુનીલ યાદવ, વિજય ગજેરા અને હરેશ કોરાટ નામના આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓ જૂનાગઢ, સુરત અને વાપીના રહેવાસી છે. આરોપીઓ છેલ્લા એક મહિનાથી 20 હજાર રૂપિયાનો ભાડે શેડ રાખીને મેફેડ્રોન ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા હતા. આરોપીઓમાંથી સુનીલ યાદવ રો-મટીરિયલ લાવતો હતો. વિજય ગજેરા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતો, જે રો-મટીરિયલમાંથી મેફેડ્રોન બનાવતો હતો. હરેશ કોરાટ બંને આરોપી સોંપે એ કામ કરતો હતો. આરોપીઓએ છેલ્લા એક મહિનામાં 4 કિલો મેફેડ્રોનનો જથ્થો તૈયાર કરીને મુંબઈના સલીમ સૈયદને આપ્યો હતો. સલીમ સૈયદને પકડવા ATSની ટીમ રવાના થઈ છે.

એટીએસના સૂત્રોએ સૂત્રોએ ઉમેર્યું હતું કે, પલસાણા તાલુકાના કારેલી ગામમાં દર્શન ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં પતરાંના શેડમાં ચાલતી ફેકટરીમાં રેડ દરમિયાન 3 આરોપી ઝડપી પડ્યા હતા. આરોપીઓ એક મહિનાથી મેફેડ્રોન બનાવતા હતા. આરોપીઓએ 4 કિલો ડ્રગ્સ મુંબઈના શખસને આપ્યું હતું. જેનો શેડ ભાડે રાખ્યો હતો તે માલિકની પણ પૂછપરછ કરવામાં આવશે