અમદાવાદઃ શહેરના કૃષ્ણનગર એસટી ડેપોમાંથી નશાબાજ શખસ ST બસ હંકારીને બસ સાથે જ નાસી ગયો હતો. આ બનાવની પોલીસને જાણ કરાતા નરોડા પોલીસે અગલ અલગ ટીમો બનાવી સીસીટીવીના કૂટેજ મેળવીને તપાસ હાથ ધરી હતી. દરમિયાન દહેગામ તરફ એસટી બસ જતી હોવાની માહિતી મળતા લોકોશન ટ્રેક કરીને પોલીસે દહેગામના કનીપુર પાસેથી એસટી બસને આરોપી સાથે પકડી પાડી હતી. અને નશાની હાલતમાં તુષાર ભટ્ટ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસની વિગતો એવી જાણવા મળી હતી કે, ગત 15 જાન્યુઆરીએ અમદાવાદના કૃષ્ણનગર એસટી ડેપોમાંથી બસ ચોરી થઈ ગઇ હતી. સરકારી એસટી બસની ચોરી ડેપો મેનેજરના ધ્યાને આવતા પોલીસને જાણ કરી હતી. કૃષ્ણનગર પોલીસે એસટી બસ અંગે તમામ વિગતો મેળવી કાયદેસરની ફરિયાદ નોંધી હતી. પોલીસે અલગ અલગ ટીમો તપાસ માટે કામે લગાવી તેમજ સીસીટીવી અને ચોક્કસ માહિતી મળતા એસટી બસનું દેહગામ પાસે લોકેશન મળ્યું હતું. પોલીસે તપાસ કરતા દહેગામના કનીપુર પાસે એસટી બસ રોડ ઉપર પડી હતી અને આ બસ ચોરી જનારો આરોપી ચાલક પણ ત્યાંથી મળી આવ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરતા તુષાર ભટ્ટ અમદાવાદનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે પકડાયેલો આરોપી તુષાર ભટ્ટ અગાઉ કોન્ટ્રાક્ટ ઉપર એસટી બસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી બેકાર હતો અને માનસિક અસ્વસ્થ હાલતમાં પોલીસને મળી આવ્યો હતો. બાદમાં બસ સાથે તેને પોલીસ સ્ટેશન લાવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવું પણ સામે આવ્યું હતું કે, આરોપી તુષાર ભટ્ટ જ્યારે એસટી ડેપો પાસે ગયો ત્યારે એસટી બસમાં ચાવી લાગેલી હતી. જેથી આરોપી એસટી બસ લઇને નીકળી પડ્યો હતો. ચોરી કરવાનું કારણ શું હતું તે હજી સુધી જાણવા મળ્યું નથી. બસ કેમ ચોરી કરી તેની પોલીસે તપાસ શરૂ કરી છે.