Site icon Revoi.in

અમીરગઢ ચેકપોસ્ટ પર કારમાંથી એક કરોડની કિંમતનું ડ્રગ પકડાયું, ત્રણ શખસોની ધરપકડ

Social Share

પાલનપુરઃ લોકસભા ચૂંટણીના પગલે ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર દરેક વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન અમીરગઢ ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન જામનગર પાસિંગની એક ક્રેટા કારમાંથી એક કિલોથી વધુ મેથાએમ્ફેટામાઈન નામનું ડ્રગ્સ મળી આવ્યું હતું. એક કરોડથી વધુની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપાયેલા ત્રણેય શખસો જામનગરના હોવાનું કહી રહ્યા છે. ડ્રગ્સનો આ જથ્થો કોને આપવાનો હતો તેને લઈ પોલીસ દ્વાર હાલ ત્રણેય શખસોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ લોકસભા ચૂંટણીને લીધે બનાસકાંઠા જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. જિલ્લામાં બે કાયમી ચેકપોસ્ટ ઉપરાંત ચાર હંગામી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસ ચેકિંગ કરી રહી હતી. ત્યારે રાજસ્થાન તરફથી આવી રહેલી જામનગર પાસિંગની એક ક્રેટા કારની તલાશી લેતા તેમાંથી 1047 ગ્રામ મેથાએમ્ફેટામાઈન નામનું ડ્રગ્સ મળી આવ્યું હતું. જામનગર પાસિંગની ક્રેટા કારમાંથી ડ્રગ્સ સાથે જે ત્રણ શખ્સો ઝડપાયેલા છે, જેના નામ ઈસરાકભાઈ બ્લોચ, સોહેલ સંધી અને અસલમ અબ્દુલસત્તાર દરજાદા છે. આ ત્રણેય શખસો જામનગર શહેરના રહેવાસી હોવાનું કહી રહ્યા છે. પોલીસે આ મામલે આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ આ ડ્રગ્સનો જથ્થો કોને આપવાના હતા તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, વાહન ચેકિંગ દરમિયાન નેનવા ચેકપોસ્ટ પરથી 12 કિલો ચાંદીનો જથ્થો પકડાયો હતો. ધાનેરા પોલીસ સ્ટાફે નેનાવા ચેકપોસ્ટ પર ચેકીંગ દરમિયાન રાજસ્થાન નિગમની બસમાં ડ્રાઇવર પાસેથી 12 કિલો ચાંદી ઝડપી હતી. રૂ.9.88 લાખની ચાંદી જોધપુરના બે શખસોએ ડ્રાઇવરને આપી હતી પરંતુ બીલ ન હોવાથી પોલીસે ડ્રાઇવરની અટકાયત કરી હતી.