અમદાવાદઃ મોરબીમાંથી 500 કરોડથી વધારે કિંમતના પકડાયેલા ડ્રગ્સના કેસમાં 3ની ધરપકડ કરાઈ છે. આ પ્રકરણમાં પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાઓની સંડોવણી સામે આવી છે. તેમજ સમગ્ર કાવતરુ યુએઈમાં ઘડાયાનું જાણવા મળે છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના ઝીંઝુડામાં પોલીસે સમશુદ્દીન નામના વ્યક્તિના ઘરે છાપો મારીને 120 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. ઝીંઝુડાના કોઠાવાડા પીરની દરગાહની બાજુના મકાનમાં ડ્રગ્સ છૂપાવ્યું હતું. જ્યાં ATSની ટીમે બે મકાનમાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી ડ્રગ્સ ઝડપાયું છે. પોલીસે ગુલાબ હુસૈન, શમસુદ્દીન, મુખ્તાર હુસેન ઉર્ફે જબ્બાર નામના શખ્સોને ઝડપી લેવામાં આવ્યાં છે. આ પ્રકરણના સલાયાની સંડોવણી સામે આવી છે. આરોપી મુખ્તાર હુસેન ઉર્ફે જબ્બારને અગાઉ પાકિસ્તાન મરિન સિક્યોરિટીએ ઝડપી લીધો હતો. જે બાક તેને મુક્ત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તે પાકિસ્તાનમાં કેટલાક ડ્રગ્સ માફિયાઓના સંપર્કમાં આવ્યાંનું જાણવા મળે છે. ડ્રગ્સના આ જથ્થાની ડિલીવરી ઓક્ટોબરના અંતિમ સપ્તાહમાં આપવામાં આવી હતી. પહેલા ડ્રગ્સ આફ્રિકન દેશોમાં મોકલવાનું હતું.
તાજેતરમાં ખંભાળિયામાંથી કરોડોનું ડ્રગ્સ પકડાયું હતું. જેમાં સલાયાના બે વ્યક્તિઓની સંડોવણી સામે આવી હતી. મોરબીના કેસમાં સલાયાના આરોપીઓની સંડોવણી હોવાનું મનાઈ રહ્યું છે. બીજી તરફ આ પ્રકરણમાં ઝડપાયેલો સમસુદ્દીન દોરા-ધાગનું કામ કરતો હતો. ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા આરોપીઓ ગુનાહિત પ્રવૃતિઓ સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળે છે. એટીએસની તપાસમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. ગૃહરાજ્ય મંત્રીએ ગુજરાત પોલીસને અભિનંદન પાઠવ્યાં છે.