દિલ્હીમાં નશામાં ગાડી ચલાવવી ખૂબ સામાન્ય, સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
એક NGO દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે દિલ્હીમાં મોટી સંખ્યામાં વાહન માલિકોએ ઓછામાં ઓછા એકવાર નશામાં ગાડી ચલાવી ચુક્યા છે. સર્વેક્ષણમાં સામેલ 10 માંથી આઠ લોકોએ સ્વીકાર્યું કે તેઓએ આ ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કર્યું છે, જે મોટર વાહન અધિનિયમ હેઠળ સખત સજા કરે છે. સર્વેક્ષણ મુજબનશામાં ગાડી ચલાવનારામાં ફોર-વ્હીલર અને ટુ-વ્હીલર બંનેનો સમાવેશ થાય છે.
મીડીયા રિપોર્ટ અનુસાર, કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેશન ‘કમ્યુનિટી અગેઈન્સ્ટ ડ્રંકન ડ્રાઈવિંગ’ (CADD) દ્વારા કરવામાં આવેલા સર્વેમાં દિલ્હીમાં 30,000 લોકો સાથે વાત કરવામાં આવી હતી, જેમાં 20,776 પુરૂષો સામેલ હતા. સર્વેમાં જણાવાયું છે કે તમામ ઉત્તરદાતાઓમાંથી 81.2 ટકાથી વધુ લોકોએ સ્વીકાર્યું કે તેઓ દારૂના નશામાં વાહન ચલાવતા હતા.
ભારતમાં મોટા મોટા ભાગના માર્ગ અકસ્માતો પાછળ નશામાં ડ્રાઇવિંગ એ મુખ્ય કારણ છે. 2022 માં, નશામાં ડ્રાઇવિંગને કારણે સમગ્ર દેશમાં 3,268 માર્ગ અકસ્માતો થયા હતા, જે સમગ્ર વર્ષ દરમિયાન થયેલા તમામ અકસ્માતોમાં લગભગ 10મો ભાગ છે. તે જ વર્ષે, 1,503 લોકો નશામાં ડ્રાઇવિંગને કારણે મૃત્યુ પામ્યા હતા, જે તે વર્ષે ભારતમાં માર્ગ અકસ્માતોમાં થયેલા કુલ મૃત્યુના લગભગ 11 ટકા છે.
• નશામાં ડ્રાઇવિંગ: દંડ અને જેલની સજા
નશામાં ડ્રાઇવિંગ માટે દંડ અને જેલની સજા બંને લાગુ થઈ શકે છે. આ સજા તમામ પ્રકારના વાહનોને લાગુ પડે છે, જેમાં કોમર્શિયલ વાહનો, ફોર-વ્હીલર, થ્રી-વ્હીલર અને ટુ-વ્હીલરનો સમાવેશ થાય છે. પ્રથમ વખતના ગુના માટે, સજા રૂ. 10,000 સુધીનો દંડ અથવા છ મહિના સુધીની જેલ અથવા બંને થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ વારંવાર ગુનો કરે છે, તો દંડ વધારીને 15,000 રૂપિયા અથવા બે વર્ષની જેલ થઈ શકે છે. ટ્રાફિક પોલીસ પાસે પુનરાવર્તિત ગુનેગારોના ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવાની સત્તા પણ છે.