સુરતઃ રાજ્યમાં મોટાભાગના વાહન અકસ્માતોના બનાવો વાહનચાલકોની બેદરાકીથી સર્જાતા હોય છે, કેટલાક વાહનચાલકો દારૂના નશામાં ચકચૂર થઈને વાહનો ચલાવતા હોય છે. ત્યારે શહેરના સરથાણા વિસ્તારમાં દારૂના નશામાં ચકચૂર થઈને પૂરઝડપે કાર ચલાવીને રિક્ષા, બાઈક અને ત્રણ રાહદારીને અડફેટે લેતા એક વૃદ્ધાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે એક બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં સરથાણા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને નશાની હાલતમાં કારચાલક અને તેના મિત્રની ધરપકડ કરી હતી. કારચાલકે પોલીસને એવું કહ્યુ હતું કે પોતે મિત્રને તેના ઘરે મુકવા માટે જતો હતો. ત્યારે ભૂલથી બ્રેકને બદલે એક્સિલેટરનું પેડલ દબાવી દેતા અકસ્માતો સર્જાયો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના સરથાણા વિસ્તારમાં નશામાં ચૂર કારચાલક જિતેન્દ્ર માલવિયાએ રિક્ષા, બાઈક અને ત્રણ રાહદારીને અડફેટે લીધાં હતાં. જેમાં વૃદ્ધાનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત 8 વર્ષના બાળકને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. સરથાણા પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી કારચાલક સહિત બેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કારચાલક નબીરાએ કારમાં જ દારૂ ઢીંચી નશો કરી મિત્રને મૂકવા જતો હોવાનું અને બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવ્યાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. પોલીસે સીસીટીવીના આધારે ચકાસણી હાથ ધરી છે.
આ અકસ્માતમાં કારચાલકે 65 વર્ષીય ગૌરીબેન જીવરાજ ધોળકિયા,તેમજ રિક્ષા અને બાઈક સહિત પાંચને ટક્કર મારી હતી. અકસ્માતને પગલે વૃદ્ધા અને 8 વર્ષીય બાહુ રવજી રાજપુતિયાને ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર ઈજાને પગલે ગૌરીબેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. હાલ બાળકની સારવાર સ્મીમેર હોસ્પિટલમાં ચાલી રહી છે